Thursday, 28 March 2019

નામ ક્યાં છે આપણાં સંબંધનું કઈ તો ય આ નાતો ગમે છે

નામ ક્યાં છે આપણાં સંબંધનું કઈ તો ય આ નાતો ગમે છે
નામ આવ્યું તારું વાતોમાં પછી તારી બધી વાતો ગમે છે

ને નિભાવી છે દુશ્મની રાત સાથે તો વર્ષોથી જાગતાં મેં
પણ હવે તારા સમો આ ચાંદ સાથેની મુલાકાતો ગમે છે

ખીડકી કેવી તમારા ઘર ની જ્યાં મારો સમય વીતે મજાનો
શોખ ઉભવાનો છે નીચે ને સુગંધી વાયરા કાં તો ગમે છે

ને પડે છે કાનમાં છમછમ સંગીતી સાજ તારી ઝાંઝરીનો
ત્યાં અવસ્થા ધ્યાનમય થઈ જાય બસ મારા આ જઝબાતો ગમે છે

ક્યાં લખાતી તી ગઝલ પેલાં અને અમથાં વિચારો આવતા ક્યાં
જાગું હું, કાગળ અંગડાઈ લે કલમ વળ ખાય એ રાતો ગમે છે

- ઉદયન ગોહિલ

Wednesday, 13 March 2019

ભૂત ભુવા ડાકલાં દાણા છે સઘળું અગડમ બગડમ

ભૂત ભુવા ડાકલાં દાણા છે સઘળું અગડમ બગડમ
ક્યાં ભગાવે ક્યાં થી ટાળે જાદુ કાળું અગડમ બગડમ

હાથેથી ખેરે કંકુ ને માથું ઘૂમે ચારેય બાજું
ખોટું ધૂણે ને ધુણાવે આવું હાળું અગડમ બગડમ

કામ ક્યાંથી થાય તારું કે શ્રદ્ધા નામે છે મીંડુ
આવું અમથું કહી ફેલાવે મોટું જાળું અગડમ બગડમ

ને બતાવે એવું જાણે ચોટલી એનાં હાથોમાં
ના કુચી લાગે રે ત્યાં ભૂતિયું તાળું અગડમ બગડમ

ને રચે તરકટ એ છેલ્લે પાછું માતાજીનાં નામે
આંખે પાટા ખોલું તો તરકીબ ભાળું અગડમ બગડમ

- ઉદયન ગોહિલ

Sunday, 10 March 2019

જાવ ને માંગો ફરીથી પ્રભુ પાસે કંઇક નવું

જાવ ને માંગો ફરીથી પ્રભુ પાસે કંઇક નવું
ડૂબી જાવું પ્રાર્થનામાં એ તમારું ગજું નથી

ખેંચ પૂરી તું પ્રત્યંચા ને ચઢાવી લે તીર ને
માફ કરવું હાથ જોડી ને તમારું ગજું નથી

આ નદી આકાશ તારાં ચાંદ સઘળું છે તારું પણ
એ મફતમાં મળવું સૌ ને તમારું ગજું નથી

છે બળાપા રોજનાં જે વ્યથિત કરતાં હશે કદી
ને લકીરો વાળવી ક્યાંયે તમારું ગજું નથી

દીકરી મા બેન પત્નીથી અલાયદો વિચાર કર
સ્ત્રી ને સ્ત્રી ગણવી જરૂરી જે તમારું ગજું નથી

- ઉદયન ગોહિલ

Friday, 25 January 2019

જુએ છે એ હવે આંખો જરા નીચી કરી ને

જુએ છે એ હવે આંખો જરા નીચી કરી ને
જવાની ની પહેલી આ નિશાની હું કહું છું

ખરે પાંદડું સુકાયેલું જો લજ્જત થી સાંજે
હસ્તરેખા ની આગળ જિંદગાની હું કહું છું

ને કર્યા યાદ સાથોસાથ તમને ને ખુદા ને
ફકીરી પ્રેમની પૂર્ણ કહાની હું કહું છું

ને કરશે કામ ઊંમર એનું આખીરી સમયમાં
આ ઢળતી સાંજની રાતો સુહાની હું કહું છું

કક્કો પાનું અક્ષરો વારતા સઘળું તમારું
હા, આ કિરદાર માં વાતો મઝાની હું કહું છું

- ઉદયન ગોહિલ

Thursday, 3 January 2019

કરી દીધી હવાલે જિંદગી તારે

કરી દીધી હવાલે જિંદગી તારે
જવું છે ક્યાં સિવા તારા હવે મારે

કે આથમશે સંધ્યા તો આવશે રાત્રી
અંધકાર પણ છે તો પ્રકાશ સથવારે

મળે કે ના મળે શું ફેર પડવાનો
છે ખુદા જો સમંદર તો હું પતવારે

કે આ માળા ને મણકા ને મંત્રો સઘળાં
નકામા જ્યાં સુધી અંતર ન પુકારે

છે આ મિજાજ, મારો વેશ બીજું શું
કર્યો છે દીપ તો છું મારી મઝારે

- ઉદયન ગોહિલ

Sunday, 25 November 2018

લખું જ્યાં ગઝલ, યાદ આવે સખી


લખું જ્યાં ગઝલ, યાદ આવે સખી
અકારણ મને કાં સતાવે સખી

છે ખોટાં બધાં વાયદા એનાં કે
મુલાકાત અમથી લંબાવે સખી

કૃષ્ણ-દ્રૌપદી જેવો નાતો છે આ
ગ્રંથ મિત્રતાનો મઢાવે સખી

કહું જિંદગી સૂકું રણ તો એમાં
બની વાદળી હેત લાવે સખી

કરો એકઠાં વેદ ચારેય તો
રખે વેંત ચઢતી બતાવે સખી

- ઉદયન ગોહિલ

Saturday, 3 November 2018

રંગો હું લઇ આવીશ ને રંગોળી તું કરજે સખી

રંગો હું લઇ આવીશ ને રંગોળી તું કરજે સખી
રંગબેરંગી રંગો થકી ચાહત મને ધરજે સખી

આવું છું મેલી પડતું આખુંયે જગત તારા સુધી
આંખે ઈશારો મલકતો રાખી મને મળજે સખી

કંગન બિંદી ને રેશમી સાડી ને ઊંચા અંબોડે
આવું હું જ્યારે મળવા તો આવી મસ્ત સજજે સખી

ને હા કરાવે કોઈ મોઢું મીઠું એ પૂરતું નથી
તો આંગળીથી તું જ મારા હોંઠ ને અડજે સખી

ને ચા ગરમ તો એની લજજત આખી જુદી હોય છે
એ ચાહતે જન્મોજન્મ ગમતી મને બનજે સખી

- ઉદયન ગોહિલ