Saturday, 10 August 2019

સ્વભાવ સાથે સંતુલન સાધે તો સાધારણ છું હું

સ્વભાવ સાથે સંતુલન સાધે તો સાધારણ છું હું
ને જિંદગીમાં દુઃખ સામે ફળતું નિવારણ છું હું

આપ્યાં રસ્તા ડગલાં વળાંકો ને વટેમાર્ગુ તને
પણ આંખ મીંચી ભીતરે દેખાય એ સારણ છું હું

બેઠો વિશ્વ વ્યાપી સમંદર જેમ, સમજાવ્યું તને
આગળ વધે જો તું નદી-નાળાથી તો તારણ છું હું

સ્મશાન સુધીની સફરને ઓલવી દે છે અગન
એની પહેલાં ધ્યાન નામે ગળતું એ ઝારણ છું હું

આંખો ઉઘાડી તું વહેતી ક્ષણ ને ભાળી લે તો
આકાશમાં આથમતું કે ઉગતું બધું કારણ છું હું

બદલાતું આ અસ્તિત્વ હર પળ આંખ ખોલી જોઈ લે
આવ્યું નજર તો ઠીક બાકી આખરી મારણ છું હું

- ઉદયન ગોહિલ

Monday, 29 July 2019

રાત-દિન ને પાર નાચે એ સમય ફંફોસ તું

રાત-દિન ને પાર નાચે એ સમય ફંફોસ તું
છે મધ્યમાં જિંદગી, આ પેન્ડુલમને છોડ તું

દૂર સુધી ક્યાંય દેખાતો નથી ઈશ્વર કદી
મૌનમાં ડૂબી રિવાજો પ્રાર્થના ના તોડ તું

ચાલવું-અટકી જવું માત્ર અવસ્થા હોય તો
શ્વાસની માળાનું આ ખાલીપણું પણ જોડ તું

પાર છે પ્રકાશ-અંધકારના બુઠ્ઠાં દ્વન્દ્વની જે
એ ખુદા ને મળવું છે તો દ્રષ્ટિ ભીતર મોડ તું

છે છુપાયેલો એ મારામાં ને તારામાં બધે
ભેદ ઇન્દ્રિયોથી પડતા જે છે એ તરછોડ તું

- ઉદયન ગોહિલ

Friday, 26 July 2019

કેટલા કર્યા ઉધામા ચાંદ દેખાયા પછી

કેટલા કર્યા ઉધામા ચાંદ દેખાયા પછી.
મટકું નો માર્યું મેં બારી બાજુ ખેંચાયા પછી.

જાળ સોનાની ચમકતી હોય તોય એ જાળ છે,
ધ્યાન આવ્યું માછલીઓને એ સપડાયા પછી.

તીર ચૂકે ઘા ઘણી વારે તમે પણ જોયું છે,
પણ શબ્દો ખૂંચી જશે એ પાકું બોલાયા પછી.

જિંદગીએ શીખવ્યું સઘળું છતાં લાગે મને,
પાકું શ્રીફળ થાય છે હોળી માં હોમાયા પછી.

બુંદ પરપોટો નદી સાગર બધાં રૂપો જુદાં,
એક ઈશ્વર, આમ લીલા માં વહેંચાયા પછી.

વેગળાં હો આંગળા પણ છે હથેળી એક ને,
જીવવાની છે મજા આ વાત સમજાયા પછી.

બંદગી ઝાંઝર ની ખનખનમાં મળે એવુંય બને
ત્યાં શું મંદિર ને શું મસ્જિદ જામ ઢોળાયા પછી.

- ઉદયન ગોહિલ

Tuesday, 16 July 2019

દમ નથી કા તો તમારી પ્રાર્થનામાં

દમ નથી કા તો તમારી પ્રાર્થનામાં
ને કા ઈશ્વર છે બહેરો, હા તમારો

ને કહેવું સાધુ, જાતે જાત ને તો
સમજો આ ફોગટ છે ફેરો, હા તમારો

છે જન્મજાત બુધ્ધ, સઘળાં જીવ આંયાં
બસ મેલો પડતો જમેલો, હા તમારો

બંધ આંખે, દ્રશ્ય જો સમાધિ ના લે
ખાય ત્યાં ચાડી ચહેરો, હા તમારો .

ને ફરક પડશે શું સમજાવો મને પણ
લીલો કે ભગવો પહેરો, હા તમારો

હાથતાળીની રમત છે આ વિચારો
અટકી ગ્યાં તો પાર બેડો, હા તમારો

- ઉદયન ગોહિલ

Saturday, 6 July 2019

અસ્તિત્વ ક્યાં છે સમયનું ક્યાંય ખ્વાબોમાં સખી

અસ્તિત્વ ક્યાં છે સમયનું ક્યાંય ખ્વાબોમાં સખી
જિંદગી રંગીન વિતે તારા ખયાલોમાં સખી

રાતનાં પડખામાં છેડે અસ્તિત્વને તું મારા
તો દબાવું હુંય તે તારો હાથ, હાથોમાં સખી

ને જરાક આવી નજીક બેસે મને અડકીને ત્યાં
થાઉં રેબઝેબ હું પસીને ઠાલી રાતોમાં સખી

દોર લંબાયો તો વાતો નો પછી એ રાત માં
મેં પહેરાવી તને ચૂડી એ વાતોમાં સખી

શોભતી તી લાલ ચૂડી એવું ખાલી ન્હોતું કંઈ
છે બિન્દી પણ જો સવાલોના જવાબોમાં સખી

- ઉદયન ગોહિલ

Sunday, 23 June 2019

અણબનાવ કેવો બન્યો તમને ખબર પણ છે સખી !

અણબનાવ કેવો બન્યો તમને ખબર પણ છે સખી !
એક પડછાયો ગમ્યો તમને ખબર પણ છે સખી !

થઈ બંધ આંખો ને સપનામાં હું જકડાઈ ગયો ,
રાતરાણી ને અડ્યો તમને ખબર પણ છે સખી !

પગમાં ઝાંઝર ને કંદોરો કેડ પર છમ છમ કરે ,
હું રણક થઈ ને ભમ્યો તમને ખબર પણ છે સખી !

ને જરા અમથી લહેરખી ક્યાંકથી આવી ને બસ ,
કેફ પાલવને ચઢ્યો તમને ખબર પણ છે સખી !

રેશમી સાડી તમે ખોસી કડક જે કેડ પર ,
ત્યાં કરચલી થઈ ખમ્યો તમને ખબર પણ છે સખી !

- ઉદયન ગોહિલ

Monday, 17 June 2019

થઈ છે જવાન આખી ગઝલ મારી સામે

થઈ છે જવાન આખી ગઝલ મારી સામે
કર્યા શબ્દો સઘળા મેં પણ એને નામે

વરસાદ વાદળ ભેજ ભેગા કર્યા ને
ચોમાસું આખું કર્યું આંખોના જામે

લુંટાઈ જવું એ વાતમાં લજ્જત લાગે
તોડ્યો ઘડો ખુલ્યું અવકાશ ઠામે-ઠામે

ને ક્યાં જરૂર છે મંદિરો-મસ્જીદો ની
લોકો લૂંટાઈ છે બસ અહીં ગામે-ગામે

પાછા જવામાં પણ ઉતાવળ છે તારી
રોકાવું તું ને જો તું આવ્યો તો ધામે

ને કાં શબ્દો છે ખોખલા મારાં અથવા
આદત નથી આવે ખુદા તું કંઈ કામે

- ઉદયન ગોહિલ