Friday, 10 April 2020

મને ડર ના બતાવો જિંદગીનો આટલો

મને ડર ના બતાવો જિંદગીનો આટલો
ક્ષણોને મા ગણી, હર ક્ષણને હું ધાવું છું

ફરક શું છે એ આવે આજ કે વર્ષો પછી 
મૃત્યુને પ્રેમિકા કેટેગરીમાં નાખું છું

ને આ લતમાં છે થોડો હાથ તારી આંખનો
ઉડાડી છાંટ ચારેકોર મદિરા ચાખું છું

તરી જવું રામ નામે એ મને ફાવે નહી
રહ્યો પથ્થર ભલે તોય મારું સ્વમાન રાખું છું

વિશ્વ આખું મળે જ્યાં હાથને ફેલાવું ત્યાં
સનાતન કપડું ઓઢીને હું મુજમાં ઝાંખું છું

- ઉદયન ગોહિલ

પ્રેમમાં મારા સમા પાગલનું વળગણ નહી મળે

પ્રેમમાં મારા સમા પાગલનું વળગણ નહી મળે
ને નિભાવ્યા છે મેં તમને એવું સગપણ નહી મળે

પાર દરિયો થાય તરતાં આવડે કે ના આવડે
પણ છુપાયેલું નૈનોમાં ભીનું રજકણ નહી મળે

ને હતી ઈચ્છા દિશાઓની તો ફંટાઈ ગયો પવન
બાથ ભીડે વાયરાથી એવું ઘડપણ નહી મળે

હાથ છો કૂણાં રહ્યાં ને છો રહ્યું કાંડું મખમલી
પ્રેમનાં મચકોડની ગમતી એ અડચણ નહી મળે

ખોયું શું છે, ક્યાસ એનો જો લગાવે તો જાણશે
અકબંધ જીવનમાં મુજ ઝાંઝરની રણઝણ નહી મળે

- ઉદયન ગોહિલ

Sunday, 23 February 2020

નિતનવા આકાર એ ધારણ કરે છે

નિતનવા આકાર એ ધારણ કરે છે
ભ્રમણા હંમેશ નવું મારણ કરે છે

છો કસો ગમતી કસોટી પર તમે, પણ
ગાંઠ સંબંધોને સાધારણ કરે છે

ચાંદ નું સરનામું ને શેરી તમારી
પ્રેમનાં કાવ્યમાંથી ગાળણ કરે છે

હાથમાં કઈ ન્હોતું ને આંખોના સપનાં
જિંદગીને ગમતું એ કારણ કરે છે

વાંકથી પર રાખ વ્હાલા પ્રિયજનો ને
બાકી ટકરાઇ ને નજર ભારણ કરે છે

- ઉદયન ગોહિલ 

Thursday, 30 January 2020

ઓઝલ થયું જે ખ્વાબ મારી આંખમાંથી

ઓઝલ થયું જે ખ્વાબ મારી આંખમાંથી ,
એના લિસોટા પણ સતાવે, કેમ ચાલે !

આવે મુલાકાતે તું ક્ષણોને ગણીને ,
ઘૂંઘટ ઉઠાવું ને તું ભાગે, કેમ ચાલે !

પકડું હું તારો હાથ ને જન્નતમાં જઈએ ,
ત્યાં તું સમય ઢસડીને લાવે, કેમ ચાલે !

મેં જિંદગી આખી જે સપના પર વિતાવી ,
આવી ને બસ નીંદર ભગાવે, કેમ ચાલે !

આંખો ખુલે ત્યારે હથેળી ખાલી જાણે ,
તું મીણથી કાગળ લખાવે, કેમ ચાલે !

- ઉદયન ગોહિલ

Wednesday, 22 January 2020

जलता दिया हूं मैं अपनेआप में

जलता दिया हूं मैं अपनेआप में 
मुझे अंधेरे का ख़ौफ ना दिखाओ

तुम्हारी समझ से परे हूं, तो हूं
मोहब्बत क्या है, मुझे ना सिखाओ

मेरी बंदगी मेरे सजदे साकी से
मस्जिदों के तौर तरीके ना बताओ

बैठा हूं तो भी अपनी मस्ती में हूं
घुंघरू की खनक से ना सताओ

वह एक ही है तुझमें भी मुझमें भी
द्वैत के बाहरी ख़ुदा को भगाओ

- उदयन गोहिल

Wednesday, 8 January 2020

ખ્વાબ પાળું પાંપણે તો એ છળે

ખ્વાબ પાળું પાંપણે તો એ છળે ,
એક ખાલીપો પછી ઘેરી વળે .

રાત છે પણ ક્યાં છે નીંદર આંખમાં !
આ ખયાલોમાં ફરે તું, તુંજ કળે .

જઈ ને કોને કહું વાતો બધી !
સાથ તારો હોય તો ફેરો ફળે .

ઘા નથી ઊંડો જરાય પણ રૂઝ ક્યાં !
એ જગ્યા વારે-તહેવારે જળે .

ક્યાં ગયો સ્પર્શ નજરના તીર નો ,
જે નજીક આવી ખભે મારા ઢળે .

ખાક છે આ જિંદગી તારા વિના ,
હોય ગમતી રાહ તો દિલ પણ વળે .

- ઉદયન ગોહિલ

Thursday, 19 December 2019

પળ થી પરમેશ્વર સુધી કેડી કરાવો

પળ થી પરમેશ્વર સુધી કેડી કરાવો ,
છે ફરક શું બુંદ-સાગરમાં બતાવો .

છે લખેલું જો લલાટે એનું સઘળું ,
ભાર પોતે લઈ કાં પોતાને સતાવો !

આવશે એ, એવું જ્યારે મન કહે છે ,
બસ, તો એનાં નામ પર જીવન ચડાવો .

ચૂપચાપ દસ્તક દે છે એ જિંદગીમાં ,
શ્વાસના તોરણથી આ શેરી સજાવો .

ને સફર કરવી ઘટે અંદર તરફની ,
મંદિરે કઈ મુક્તિની આશા જગાવો !

- ઉદયન ગોહિલ