Monday, 26 October 2020

મને ડર ના બતાવો આ કયામતનો દોસ્તો

મને ડર ના બતાવો આ કયામતનો દોસ્તો ,
હજારો વાર એની આંખ પર હું મર્યો છું .

ને ડૂબ્યાં બાદનો આખો અનોખો અનુભવ છે ,
હું ભવસાગરના પટમાં ક્ષણ સાથે તર્યો છું .

ને આમાં શું મજા છે એ તો આખરમાં જાણ્યું ,
હતો જ્યાં, ત્યાં જ છું ને તોય હું પાછો ફર્યો છું .

મહોબતના મિલનની આ પરાકાષ્ઠા છે જો ,
હું આકાશેથી, બસ મળવા ધરા ને ખર્યો છું .

- ઉદયન ગોહિલ

Monday, 19 October 2020

ઓ સાંજના રંગો, ખબર છે તમને કંઈ !

ઓ સાંજના રંગો, ખબર છે તમને કંઈ !
હું યાદ આવ્યો તો માશુકાને કે નઈ !

સેંથા સમી લાલી તો ઉતરી આવી છે ,
તો પોંખશે કે! ખ્વાબ કુમકુમ ટીકા લઈ !

વાતો વણી છે રાત રંગીનીઓની ,
પણ છે તો વાતો, કેમ ની રે તાળું દઈ !

આ રોજ નું હતું, આવ જા કરતી રહેતી ,
તોય થાય હર વખતે કે આ ગઈ ! તો કાં ગઈ !

- ઉદયન ગોહિલ

Sunday, 20 September 2020

નવા નક્કોર આવે છે વિચારો હમણાંથી

નવા નક્કોર આવે છે વિચારો હમણાંથી ,
આ ઓલાં પ્રેમ નામે રોગ જેવા સિમટમ છે .

ઘરેથી નીકળું નક્કી કરી ક્યાં જાવું છે ,
રસ્તામાં પાછું લાગે આજ ડાઉન સર્વર છે .

ને આ તો રોજ નું થયું, રોજ કંઈ સારું લાગે !
કે તારા ઘર તરફનું દિલમાં પેડોમીટર છે .

- ઉદયન ગોહિલ

Friday, 11 September 2020

આપણી મીઠી એ યાદોની ડગર તે ભૂંસી નાખી

આપણી મીઠી એ યાદોની ડગર તે ભૂંસી નાખી
મેં તો પક્ષીને હજુય ચણ નાખવાની આદત રાખી

કેવું ઘેલું હોય છે મન પણ, તને સંભાર્યા કરતું
આજ તો સ્પર્શની સુંવાળપ મેં સપનામાં પણ ચાખી

આવશે તું તો ફરી પાડીશું ભીની રેત પર પગલાં
આ તો આઘે થી સફરને મેં મહોબત વાળી ભાંખી

- ઉદયન ગોહિલ

Thursday, 10 September 2020

સમયને કહી દો સતાવે નહી

સમયને કહી દો સતાવે નહી ,
ફરી આંખમાં સપનું વાવે નહી .

દરદ હોય છે તૂટવાનું ઘણું ,
ફરી આગ મુજમાં જગાવે નહી .

એ તો એક સરખો રહેતો નથી ,
ફરું હું જરાક તો ચલાવે નહી !

વફા નામે એ બેવફા નીકળ્યો ,
ક્ષણ એક પણ ક્યાંય ધાવે નહી .

- ઉદયન ગોહિલ

Wednesday, 12 August 2020

છોડી મને તું ક્યાં ગયો રે જાદવા ?

છોડી મને તું ક્યાં ગયો રે જાદવા ?
વ્યાકુળ નયન છે રાહમાં રે જાદવા .

પગરવ હતો ધીમો તું આવ્યો ત્યારનો ,
લૂંટી ને આસુંય લઈ ગયો કે જાદવા !

આ પાંપણોની છે પીડા કોને કહે !
આંખોમાં થોડુંક ભીનું જળ દે જાદવા .

નૈનો નો સથવારો હતો દિલને એ ગ્યો ,
પાછું વળીને જોઈ તો લે જાદવા .

પગલાં તું પાડે ક્યાં ને ઘા જો ક્યાં પડે ,
તું આટલો પણ કાં કઠોર, હેં જાદવા !

- ઉદયન ગોહિલ

Saturday, 1 August 2020

પ્રાર્થનામાં એક આંસુ આંખનું અર્પણ કર્યું

પ્રાર્થનામાં એક આંસુ આંખનું અર્પણ કર્યું ,
કઈ નથી મારું છતાં મેં હું-પણું તર્પણ કર્યું .

હાથમાં વધશે શું ને શું લઈ જવાનો છું સાથે !
જિંદગીભર મેં નકામી વાતથી સગપણ કર્યું .

આશ છોડી છે મેં એની પણ, એ ઈશ્વર છે તો છે ,
મેં સનમનો હાથ ઝાલી ને ગળ્યું ઘડપણ કર્યું .

દ્રશ્ય છે હર પળ નવું સામે જે આવે છે 'ઉદયન' ,
ભૂત ની ખડકીને વાસી સાફ આ દર્પણ કર્યું .

- ઉદયન ગોહિલ