Tuesday, 12 November 2019

એક તો આંખો નશીલી ને હસો છો ,

એક તો આંખો નશીલી ને હસો છો ,
કાં મહોબ્બતની કસોટી પર કસો છો !

થોડું અંતર બેસવામાં છો રહ્યું આંય ,
જાણે સઘળાં કે તમે હૈયે વસો છો .

ભાળશે પણ કોણ તમને જે અદાથી ,
દૂર બેસી, પાસ આંખોથી ખસો છો .

જે જુએ એ તો ખુલ્લાં બસ કેશ જુએ ,
કોઈ પૂછે તો કહું ક્યાંથી ડસો છો .

ને હવા માફક મને વળગી ગયા તાં ,
રાહ જોતાં સૌ રહ્યાં ક્યારે ધસો છો . 

- ઉદયન ગોહિલ 

Wednesday, 6 November 2019

ન્હોતું જવું તારે મને છોડી ને

ન્હોતું જવું તારે મને છોડી ને
કાં યાદ ન્હોતું આવવું દોડી ને

કોને કહું જઈને કિસ્સો હું આખો
કાણું પડ્યાનો આપણી હોડી ને 

ફાડીને ફેંકી દે બધી ચિઠ્ઠીઓ
મૌસમ બી ગઈ છેલ્લી બધું તોડી ને 

માણસ પહેલેથી હું મયખાના નો
યાદો ઉડાડી જામ માં બોળી ને 

ને હોશ ની વાતો કેમ કરવી રાતે
સાંજે મેં પીધી છે તને ઘોળી ને

- ઉદયન ગોહિલ

Friday, 4 October 2019

ધૂળ આંખોમાં પડી છે કે પછી દ્રશ્યો છળે છે !

ધૂળ આંખોમાં પડી છે કે પછી દ્રશ્યો છળે છે !
આવ જા કરતી રહે છે તું મને બસ એ કળે છે .

ને હતો નાદાન એ ઉંમરથી જોઈ છે તને મેં ,
એજ ઉંમરથી અહીંયા જામ છલકાતા ગળે છે .

કંઈ કહેવાને શબ્દો ખૂટી પડે ત્યારે કરું શું ?
ખ્વાબની રંગીનિયતમાં જાગરણ થોડાં ભળે છે .

આવવાને હું મથું છું કેટલો તારી સમીપે ,
પણ લકીરોમા લખાયેલી અમાવસ ત્યાં ફળે છે .

ને આ બાબત કેમ સમજાતી નથી મુજમાં 'ઉદયન' ,
આટલી ઈચ્છાઓ કાં જોવા તને ટોળે વળે છે !

- ઉદયન ગોહિલ

Monday, 16 September 2019

સૂરજ સાથે જાજું અમને ફાવે ક્યાંથી !

સૂરજ સાથે જાજું અમને ફાવે ક્યાંથી !
અંધારા જેવું કંઈ પણ એ લાવે ક્યાંથી !

દુઈ ની વાતો કરવી સાધુને શોભા દે ?
જીવન-મૃત્યુ ધાર્મિકતા ડોલાવે ક્યાંથી !

ઠારી દીધો દીવો તે મારા ફળિયાનો ,
સમજી ગ્યો સૂરજને તું શરમાવે ક્યાંથી !

નાની મોટી આઘી પાછી રેખા સઘળી ,
સમજાવો એ ભાગ્યને બદલાવે ક્યાંથી !

ઝાંખો લાગે ચાંદો મારી પ્રિયા સામે ,
રાતો ની રાતો એય તે તડપાવે ક્યાંથી !

આકાશે ઉડતાં પક્ષીઓ સંધ્યા ટાણે ,
નકશો પાછા ફરવાનો દોરાવે ક્યાંથી !

આવી મળવા સાંજે ને નથણી ખોવાણી ,
એ કેય કોને-કોને, ને ગોતાવે ક્યાંથી !

- ઉદયન ગોહિલ

જરૂરી નથી કે મળે તું અમને ,

જરૂરી નથી કે મળે તું અમને ,
ખુદા છે, તું તારે ગમે ત્યાં રમ ને .

ઈચ્છા થાય કે સામે તું આવે ક્યારેક ,
તું કે છે બધે છું, ગમે ત્યાં નમ ને .

થતી હોય ભૂલો કદી તારી પણ ,
ગરીબોનો ઈશ્વર બની તું ભમ ને .

ને નખરાં તો તારાય તે ઓછા ક્યાં છે ,
ધરાવું છું થાળી તો થોડુંક જમ ને .

ને એ શું કે હું રાહ જોઉં રોજે !
તું આવે છે લેવાં તો બે પળ ખમ ને .

- ઉદયન ગોહિલ

Sunday, 1 September 2019

વાદળોને રોકવા ક્યાં હાથમાં છે !

વાદળોને રોકવા ક્યાં હાથમાં છે !
જે હતાં સાથે કદી એ ખ્વાબમાં છે .

આમ લૂંટાવી તી આખી જિંદગી મેં ,
પળ બધી યાદોની નોખી નાતમાં છે .

ને બહેકી ગ્યાં પી ને જે એ શરાબી ,
આય તો સાકી ને ખુદા બેય વાતમાં છે .

ફેરવો કંગન તમે એ શોખ છે કે !
દિલ, નજરમાં આવવાના તાગમાં છે !

ઝાંખું લાગે છે સપ્તરંગી આ નભ પણ ,
કે બધા રંગો તમારી આંખમાં છે .

- ઉદયન ગોહિલ

Tuesday, 20 August 2019

જરૂરી છે સફરમાં ચાલવું એ તો ખબર છે

જરૂરી છે સફરમાં ચાલવું એ તો ખબર છે ,
કરું શું, આઠમી ડેલી એ ગમતું તારું ઘર છે .

કહું હું વાત અડધી ને તું સમજી જાય પૂરી ,
મને લાગે છે મારા હોંઠ પર તારી નજર છે .

જલાવે છે તું સિગરેટ કોઈ બેજાન દમ વિના ની ,
ધુમાડો નીકળે છે એ બળતરા ની અસર છે !

તું આવી હાથ પકડી લે છે મારો ભીડમાં પણ ,
હતું તો સપનું પણ આ રાતનો છેલ્લો પ્રહર છે .

ઉડું છું હું હવામાં ગામમાં તારા જો આવ્યો ,
પછી થી ધ્યાન આવ્યું ચાંદ નું આખું નગર છે .

- ઉદયન ગોહિલ