Monday 27 May 2019

ઉગ્યો જો ચાંદ આકાશે તો તારા છોભીલા પડશે

ઉગ્યો જો ચાંદ આકાશે તો તારા છોભીલા પડશે
મહેફિલમાં એ આવ્યાં જો તો નજરો તો થોડી મળશે

ને ક્યાં લાંગરવી આ મધ દરિયામાં મારી હોડી
નજર છે આસમાન પર કે જગા ક્યારેક ખુદા કરશે

અચાનક વાયરા ફંટાય આ બાજુના તો સંભાળજે
કે પડ્યા પર જો વાગે પાટું તો એની કળ ક્યાં વળશે

કે ઉગવું ને પછી ખરવું નિયમ છે પ્રકૃતિનો પણ
મરણ પર્યંત હવા ને પ્રેમમાં તું શું ને શું ધરશે

ને ક્યાં સરખી છે પાંચેય આંગળીઓ તારી કે મારી
વચ્ચે એની આ રેખાઓ કહો કોને ક્યાંથી ફળશે

- ઉદયન ગોહિલ

Monday 13 May 2019

સમજાવું કોને હું કે ભીતર શું મને થાય છે

સમજાવું કોને હું કે ભીતર શું મને થાય છે
તારો ખરે તોય નામ પણ ક્યાં એનું બોલાય છે

કક્કો ને બારાખડી મેં શીખી ત્યારથી જોઉં તો
છે એક અક્ષર જ્યાં આ મારી જીભ થોથવાય છે

ને હાથ જાલ્યો છે મેં એનો તો હજારો વખત
પણ ક્યાં ખબર છે કે લકીરો કેમ પકડાય છે

ને આવતું તું ઘર એ જમણી બાજું છેલ્લી ગલી
પણ આ લખેલાં કાગળો ક્યાં એમ મોકલાય છે

ધરબી ફરીથી વાત મારી મેં હૃદયમાં મારાં
ખુલ્લી કિતાબ જેવું બધાને ક્યાં કહેવાય છે

- ઉદયન ગોહિલ

Wednesday 8 May 2019

આવે નજરમાં એમ ક્યાંય એ મને મળતી નથી

આવે નજરમાં એમ ક્યાંય એ મને મળતી નથી
અમથી હવા બાબતની મારી ગણતરી ફળતી નથી

બાંધેલું છે આકાશ આ મેલી નજરથી કોઈકે
તારા ખરી ગ્યાં સેંકડો ને આસ આ બળતી નથી

છે ધ્યાનમાં હળવેથી તે ઊઠાવી તી આંખો તે દિ
ગઈ વાત ક્યાં કે એ નજર ક્યારેય હવે છળતી નથી

ને છે ફરક બસ આટલો આ દિલ્લગી ને પ્રેમમાં
છો હોય ના સાથે એ પણ એની કમી કળતી નથી

છે લાજમી તમને તમારો વટ તમારાં સોળ મેં
તલવાર ને રાખો મ્યાનમાં કે બાર એ વળતી નથી

ફૂટે નવા દાંતો એ શતક પારની નિશાની છે
કે આ ગઝલની છે જવાની જે કદી ઢળતી નથી

- ઉદયન ગોહિલ