Saturday 4 November 2023

જિંદગી આખીય તૂરી બસ

જિંદગી આખીય તૂરી બસ
રોટલા ને કસ્તુરી બસ! 

ઘરમાં દેખાતી નથી ને
બારી યે અડધી ખુલ્લી બસ

હાથ પકડી લઉં! હા - ના ની
રાત સ્વપ્નમાં ધૂણી બસ

એક તસ્વીરની અડોઅડ
ખ્વાબ ની નૈયા ડૂબી બસ 

ભીંત છે તો સાંભળે છે
ફ્રેમ થી વાતો પૂરી બસ

- ઉદયન ગોહિલ 

Friday 7 October 2022

ફૂલ ખીલ્યું આંગણે ને તમને ધાર્યા

ફૂલ ખીલ્યું આંગણે ને તમને ધાર્યા
કેટલાં સ્મરણ અમે હૈયે વળગાળ્યા

હાથની રેખામાં મૂંગા સંવાદો છે
ઘર સુધી આવી તમારા ડગલાં વાળ્યા

જોયું મેં મુઠ્ઠીને વાળીને પણ.. પણ ત્યાં
હાથ થી સરકી પળો એ અમને ભાળ્યા 

હારી ને બાંધ્યો મેં કાળો ધાગો કાંડે
મન્નતોના ફફડાટે મેં તમને ખાળ્યા 

ને અચાનક આંખ ઉઘડી ઓ હો હો હો
ખ્વાબમાં એનાં મેં આજેય વર્ષો ગાળ્યા 

- ઉદયન ગોહિલ 

Saturday 12 March 2022

ના રે ના ...

ના રે ના
એવું કંઈ લાગતું તો નથી 
પગમાં..ઝાંઝર.. એ ક્યારથી પહેરવા લાગી!
હર વખત તો એમનેમ જ આવે છે ને આજે વળી...!
કંઇક તો છે આ વખતે..

પહેલાં તો ત્યાં ખાલી વંડી હતી બે મકાન વચ્ચે
ને એમાં એક દિ વંડીને કૂંપળ ફૂટી 
ને મહેકે રોજ વંડી
એમાં સામેની ખડકીના કેશ ખુલ્લા...
કંઇક તો છે આ વખતે..

હશે હવે, થોડુંક મોણ વધી ગયું
તો એ ક્રિસ્પી ને હું બરડ
ને આમનામ એ કલાઈમાં બંગડી ફરતી
હું આસક્ત નજરથી નિહાળતો
કંઇક તો છે આ વખતે..

ને આખર આવી એ ક્ષણ 
આંગળીઓથી હસ્તધૂનન સુધી
સ્પર્શ વાસંતી વાયરાનો રોમેરોમમાં લઈ
એણે જોયું
કંઇક તો છે આ વખતે

- ઉદયન ગોહિલ

એક અઘરો પણ મજાનો ક્યાંકથી માણસ મળ્યો છે



એક અઘરો પણ મજાનો ક્યાંકથી માણસ મળ્યો છે
ને હસે કેટલું! કે નક્કી પૃથ્વી પર ભૂલો પડ્યો છે

ને બતાવી મેં ગલી એને અહીંથી નીકળી જા
આય સહારો કોને દઉં! મારો ખભો ખાલી પડ્યો છે

આટલે થી વાત અટકે તોય લાગે ઠીક છે પણ
ખીલતાં ફૂલોની પાસે જઈ એ ફૂલોને નમ્યો છે

આખરે પૂછ્યું મેં રહસ્ય ખુશમિજાજી એ મૌસમનું
એક તારો બસ જે તારા માટે ઓ નભથી ખર્યો છે

- ઉદયન ગોહિલ

Friday 11 March 2022

નક્કી એ મારાથી સવાયો છે

નક્કી એ મારાથી સવાયો છે
જેને પળેપળથી મેં ધાવ્યો છે

એ આંખ સામે દ્રશ્ય માફક છે
જેને નજરની બારે ધાર્યો છે

બહુ બહુ તો જાણું છું હું પગરવ ને
એ ચૂપકીદીમાં છવાયો છે

છે ઘરમાં જે એજ ઘરની બારે છે
સર્વે ઘા માં એજ તો રુઝાયો છે

રોશન કરો ભીતર તો છે ઝગમગ
બાકી અંધારે એજ અંધાર્યો છે

- ઉદયન ગોહિલ

વાળ દાઢીના જો ચાડી ખાય છે

વાળ દાઢીના જો ચાડી ખાય છે
તારું ઘડપણ આંગણે ડોકાય છે

ને છુપાવી લે ગમે એટલું તું પણ
આંખના ચશ્માં તો ગાણું ગાય છે

લે આ પથ્થર ને ઉછાળી ઊંચે જો
આજ તબિયતમાં ફરક દેખાય છે

ખેલ રમતાં આવડે તો મોજ છે
આ હવા છે ને એ આવે જાય છે

હજુ ય ટહુકા છે સલામત તો સમજ
પાસ માં આકાશ પણ સર્જાય છે

- ઉદયન ગોહિલ

Sunday 1 August 2021

હજારો વાર આવી છે તો ગઈ પણ છે

હજારો વાર આવી છે તો ગઈ પણ છે
છે વારો પાનખરનો તો એનુંય સ્વાગત

તું ઈશ્વર છે તું આવે ને ના પણ આવે
છે હક એ રાહબરનો તો એનુંય સ્વાગત

ને મીંચી આંખ તો આનંદ આલ્હાદક
ને થાકોડો સફરનો તો એનુંય સ્વાગત

જશે લૂંટીને સઘળું એ ઘડી છેલ્લી
અતિથિ હું એ નગરનો તો એનુંય સ્વાગત

હવા માફક ફરે મન રોજ વનવગડે
છું ઘરમાં તોય ના ઘર નો તો એનુંય સ્વાગત

ઘડી આવી તો હંમેશા નવી થઈ ને
થયો તુંય એ લહરનો તો એનુંય સ્વાગત

જનમથી પર મરણથી ખર છે હોવાપણું
તું છે ગર હજુ પ્રહરનો તો એનુંય સ્વાગત

- ઉદયન ગોહિલ