Saturday, 3 November 2018

રંગો હું લઇ આવીશ ને રંગોળી તું કરજે સખી

રંગો હું લઇ આવીશ ને રંગોળી તું કરજે સખી
રંગબેરંગી રંગો થકી ચાહત મને ધરજે સખી

આવું છું મેલી પડતું આખુંયે જગત તારા સુધી
આંખે ઈશારો મલકતો રાખી મને મળજે સખી

કંગન બિંદી ને રેશમી સાડી ને ઊંચા અંબોડે
આવું હું જ્યારે મળવા તો આવી મસ્ત સજજે સખી

ને હા કરાવે કોઈ મોઢું મીઠું એ પૂરતું નથી
તો આંગળીથી તું જ મારા હોંઠ ને અડજે સખી

ને ચા ગરમ તો એની લજજત આખી જુદી હોય છે
એ ચાહતે જન્મોજન્મ ગમતી મને બનજે સખી

- ઉદયન ગોહિલ

Wednesday, 31 October 2018

છે આ પ્રતીક્ષા પણ યુગોથી સાથમાં

છે આ પ્રતીક્ષા પણ યુગોથી સાથમાં,
પગલે તમારાં એ ફળે એવું બને.

સાકી-સનમ સાથે મળે એ ક્ષણ ને,
મણકા ગણીએ તો ખુદા જેવું બને

પાછી ફરીને આવતી ક્યાં છે એ પળ,
જોવો ન જોવો ત્યાં તો નીકળવું બને.

કે છે પ્રવાસી કાયા જોતાં શીખ તું,
જોયાં પછી છે શું, જે ફેરવવું બને.

કાઢી જશે ભેગા મળી સૌ જલ્દીમાં,
જુદું પહેરણથી, કફન કેવું બને!

- ઉદયન ગોહિલ

Friday, 26 October 2018

વિત્યું છે બાળપણ મારું એ ઘરની

વિત્યું છે બાળપણ મારું એ ઘરની,
ગમી છે ધૂળ પણ મારા નગરની.

લો બાંધ્યો એક કાળો દોરો હાથે,
છે ઇન્તેઝાર તારે સંગ સહરની.

હથેળીમાં લખ્યું છે શું એ છોડો,
છે ચારેધામ ભીતર હમસફરની.

પહેરણ છે જો ભગવા તો એ પૂરતું!
ના, રાખો હામ મૃત્યુનાં સફરની.

ખબર પાડો જન્મ ને સાથ મરણની,
થશે કિંમત એને સઘળાં પ્રહરની.

- ઉદયન ગોહિલ

Sunday, 14 October 2018

કરી લ્યો ગઝલને હવાલે તમે જિંદગી એ વળી શું

કરી લ્યો ગઝલને હવાલે તમે જિંદગી એ વળી શું
લખો જ્યાં સનમ એ ગણી લો પછી બંદગી એ વળી શું

ને વ્યસ્તતા ને બાજુ એ મૂકી અપલખ નિહાળો
તો દેખાઈ આવે સનમ-આંખ પૂરી રંગી એ વળી શું

છે કેટલાય સામે નજરની છતાં ખાલીપો ઘેરી વળે
તમારાં અવાજે મહેફિલ રે રંગબેરંગી એ વળી શું

છે એ ગામડાની સરળ છોકરી તો ન ફાવે, એમાં શું
કહેવા મંડ્યા છોરી ની ચાલ છે કઢંગી એ વળી શું

આ ચાંદો કરાવે છે ધોખો ને બાકી હતાં તે તમે પણ
નજર છે મહોબ્બતી ને ક્યો ઉદયન તરંગી એ વળી શું

- ઉદયન ગોહિલ

Tuesday, 2 October 2018

છે છલકતો પ્રેમ આંખે

છે છલકતો પ્રેમ આંખે,
છોકરું છે મા ની કાંખે.

આંગળીઓ ય ન માને,
ને મથે અડકવા જે ઝાંખે.

હોય થાપા ભીંતે તારા,
તો લકીરો કોણ ભાખે.

દોર બાંધી કાળો કાંડે,
તું ય ભોળાં અમથો રાખે.

શું કમાયું કે ગુમાવ્યું!
સંધું ન્યોછાવર ઇ લાખે.

ને ખુલ્લા રાખો કમાડ,
જાવું છે કોને! તે વાખે.

- ઉદયન ગોહિલ

Friday, 28 September 2018

ઓરડામાં, બાપુ તારો ભાસ લાગે

મારાં પપ્પા, મારાથી દૂર ક્યાંય બહારગામ જાય ત્યારની મારી મનોવ્યથા

ઓરડામાં, બાપુ તારો ભાસ લાગે,
કે નથી તું, તો ય તે આભાસ લાગે.

હોવું કે ના હોવું તારું, શું ફરક છે!
હાજરી તારી, ધબકતાં શ્વાસ લાગે.

છે તું, તો ચોમાસું બારેમાસ સાથે,
તારા વિના કોરાકટ ઉછશ્વાસ લાગે.

ખુરશી ખાલી પડી મારી લગોલગ,
બાજુમાં તારી મને સુવાસ લાગે.

આવજો પાછા જલ્દીથી બાપુ-સખા,
મંઝિલો વિના સુકો પ્રવાસ લાગે.

- ઉદયન ગોહિલ

Sunday, 23 September 2018

નીકળી જાઉં હું જો બારે મને બાળે એ પહેલાં

નીકળી જાઉં હું જો બારે મને બાળે એ પહેલાં ,
મૃત્યુને માણું તો, ઈશ્વર ક્યાંક ઢાળે એ પહેલાં .

આંખ ઝૂકેલી કહી દેશે તમારાં હાલ પ્રિયે ,
હોંઠ પોતાની અદામાં શબ્દ ખાળે એ પહેલાં .

ગાંઠ મારેલી મળી છે એક પાકી, પાલવે તો ,
યાદ આવ્યો ! પૂછું એને વાત ટાળે એ પહેલાં .

છે મુક્ત આકાશ આખું ને વિચારો ઘૂમતા છે ,
રે દ્રષ્ટા ભાવે દુનિયા સંભળાવે એ પહેલાં .

ને દેખાયાં કેટલાયે હું મને સામે અરિસે ,
દુષ્કૃત્ય છોડી દે 'ઉદયન' કોઈ વાળે એ પહેલાં ,

- ઉદયન ગોહિલ