Friday 28 September 2018

ઓરડામાં, બાપુ તારો ભાસ લાગે

મારાં પપ્પા, મારાથી દૂર ક્યાંય બહારગામ જાય ત્યારની મારી મનોવ્યથા

ઓરડામાં, બાપુ તારો ભાસ લાગે,
કે નથી તું, તો ય તે આભાસ લાગે.

હોવું કે ના હોવું તારું, શું ફરક છે!
હાજરી તારી, ધબકતાં શ્વાસ લાગે.

છે તું, તો ચોમાસું બારેમાસ સાથે,
તારા વિના કોરાકટ ઉછશ્વાસ લાગે.

ખુરશી ખાલી પડી મારી લગોલગ,
બાજુમાં તારી મને સુવાસ લાગે.

આવજો પાછા જલ્દીથી બાપુ-સખા,
મંઝિલો વિના સુકો પ્રવાસ લાગે.

- ઉદયન ગોહિલ

Sunday 23 September 2018

નીકળી જાઉં હું જો બારે મને બાળે એ પહેલાં

નીકળી જાઉં હું જો બારે મને બાળે એ પહેલાં ,
મૃત્યુને માણું તો, ઈશ્વર ક્યાંક ઢાળે એ પહેલાં .

આંખ ઝૂકેલી કહી દેશે તમારાં હાલ પ્રિયે ,
હોંઠ પોતાની અદામાં શબ્દ ખાળે એ પહેલાં .

ગાંઠ મારેલી મળી છે એક પાકી, પાલવે તો ,
યાદ આવ્યો ! પૂછું એને વાત ટાળે એ પહેલાં .

છે મુક્ત આકાશ આખું ને વિચારો ઘૂમતા છે ,
રે દ્રષ્ટા ભાવે દુનિયા સંભળાવે એ પહેલાં .

ને દેખાયાં કેટલાયે હું મને સામે અરિસે ,
દુષ્કૃત્ય છોડી દે 'ઉદયન' કોઈ વાળે એ પહેલાં ,

- ઉદયન ગોહિલ

Thursday 20 September 2018

સાબિતિમાં શું આપું તું કે જો

સાબિતિમાં શું આપું તું કે જો,
બંધ મુઠ્ઠી કિસ્મત લાગે છે.

કાગળો પેન શેર કે ગઝલો,
જો કરું ભેગું તો તું જાગે છે.

ભેદ પારખતાં આવડે કોને!
મુસીબત પણ કલ્યાણ કાજે છે.

શોધવામાં ગયા જન્મો કેટલાં!
ભીતરે તો પ્રભુ બિરાજે છે.

વીજળી વાદળો પડે ખરેખર!
માણસો જેમ ખોટા ગાજે છે!

- ઉદયન ગોહિલ

Wednesday 19 September 2018

ફૂટી છે પાંખો તો ઊડાને ચઢો ,


ફૂટી છે પાંખો તો ઊડાને ચઢો ,
પાંજરે આંખો ને બાળું ક્યાં સુધી

શું લખે છે એ બતાવે તો મજા ,
નાર સુંદરતમ નિહાળું ક્યાં સુધી !

જો ને એકલવાયું લાગે છે હવે ,
વાત ને મારી હું ટાળું ક્યાં સુધી !

છે ખુલ્લા સઢ જેમ મારી જિંદગી
જાત ને મારી પલાળું ક્યાં સુધી !

ને કઝા નો ભય નથી, એ આવશે ,
સાંજ ના ટાણા ને વાળું ક્યાં સુધી !

- ઉદયન ગોહિલ

Monday 17 September 2018

સહારે સહારે જશે લાશ મારી

સહારે   સહારે   જશે   લાશ   મારી
પ્રભુ   આ   તે   કેવી  કરામાત  તારી

મહોબ્બતની  વાતમાં  ક્યાં  મળે  છે
છબી  સુંદરીની  જે  આંખો એ ધારી

છું    તૈયાર    હું    હારવાને   બધુંયે
મળે   જો    કૃષ્ણ   દ્રૌપદીની   યારી

ફરી  જામશે   જો   મહેફિલ   દોસ્તો
ખુલ્લી  જોઈ  સામે  ના  ઘરની બારી

વહી   જિંદગી   કોઈ  દાવાનળે   ને
પછી   ડૂબતાં   સૂરજે   આગ   ઠારી

- ઉદયન ગોહિલ

Friday 14 September 2018

રહી રાહમાં એક બારી સદા થી

રહી રાહમાં એક બારી સદા થી
ન આવ્યાં તમે જ્યાં કદીયે અદા થી

હતાં સામસામે ને ચાંદો ઉગ્યો તો
નિહાળી તને, મેં ચકોરી મજા થી

ઘુમાવી તી આંખો નઝરના સવાલે
રહ્યો તો છેટો એક હાથ હાથવગા થી

ને ઝૂકી ગયો હું હવાની રંગતમાં
શિખરને શું સંબંધ ફરકતી ધજા થી

ફકીરી અમારી મુબારક અમોને
કે ડર ના બતાવો ખુદા આ કઝા થી

- ઉદયન ગોહિલ

Thursday 13 September 2018

માગી માફી એમાં શી તારી કરામાત !

માગી માફી એમાં શી તારી કરામાત !
ભૂલી જાવું એ મારો સદગુણ સારો છે .

ને માનું આખા આકાશે આંગણ તારું ,
તો સૂફીની માથે તું ખરતો તારો છે .

મારી મારીને આયખું મારે બીજું શું ,
આયાં મેં કીધું, હાલો મારો વારો છે .

કેવો અવસર હાથેથી ખોયો ધોખા માં ,
બાળો કે દાટો એ ક્યાં તારો નારો છે .

મોડી નાખું રેખાઓ જે આપી હાથે ,
છૂટીને ભાગું ક્યાં, ક્યાં મારો આરો છે .

- ઉદયન ગોહિલ

Wednesday 12 September 2018

હજુ રાત વીતી ન વીતી પુરી ત્યાં

હજુ રાત વીતી ન વીતી પુરી ત્યાં
સવારી સૂર્યની સવાલે ચઢી છે

જવાની ખપાવી કુણી લાગણીમાં
ઢળીને તુ કોનાં ઇરાદે ચઢી છે

છે સાકી અસરદાર કે ધાર પાંખી
મહોબ્બત સનમનાં નઝારે ચઢી છે

નથી કાબુ માં કોઈ પંખી અહીંયા
કે ફૂટી જે પાંખો ઉડાને ચઢી છે

વધી ને જવું કોક કાંધે અમારે
જિન્દગી અમસ્તાં ધમાલે ચઢી છે

સવાલો જવાબો ને નેવે મુકી ને
ખયાલો ના ખોટાં રવાડે ચઢી છે

કરી સોગઠાં સાબદા મીણ કેરાં
જિન્દગી અમારી જુવાળે ચઢી છે

કમી કેમ ચર્ચાય ચોમેર તારી
ફરીને તુ કોનાં વિચારે ચઢી છે

- ઉદયન ગોહિલ