Sunday 23 June 2019

અણબનાવ કેવો બન્યો તમને ખબર પણ છે સખી !

અણબનાવ કેવો બન્યો તમને ખબર પણ છે સખી !
એક પડછાયો ગમ્યો તમને ખબર પણ છે સખી !

થઈ બંધ આંખો ને સપનામાં હું જકડાઈ ગયો ,
રાતરાણી ને અડ્યો તમને ખબર પણ છે સખી !

પગમાં ઝાંઝર ને કંદોરો કેડ પર છમ છમ કરે ,
હું રણક થઈ ને ભમ્યો તમને ખબર પણ છે સખી !

ને જરા અમથી લહેરખી ક્યાંકથી આવી ને બસ ,
કેફ પાલવને ચઢ્યો તમને ખબર પણ છે સખી !

રેશમી સાડી તમે ખોસી કડક જે કેડ પર ,
ત્યાં કરચલી થઈ ખમ્યો તમને ખબર પણ છે સખી !

- ઉદયન ગોહિલ

Monday 17 June 2019

થઈ છે જવાન આખી ગઝલ મારી સામે

થઈ છે જવાન આખી ગઝલ મારી સામે
કર્યા શબ્દો સઘળા મેં પણ એને નામે

વરસાદ વાદળ ભેજ ભેગા કર્યા ને
ચોમાસું આખું કર્યું આંખોના જામે

લુંટાઈ જવું એ વાતમાં લજ્જત લાગે
તોડ્યો ઘડો ખુલ્યું અવકાશ ઠામે-ઠામે

ને ક્યાં જરૂર છે મંદિરો-મસ્જીદો ની
લોકો લૂંટાઈ છે બસ અહીં ગામે-ગામે

પાછા જવામાં પણ ઉતાવળ છે તારી
રોકાવું તું ને જો તું આવ્યો તો ધામે

ને કાં શબ્દો છે ખોખલા મારાં અથવા
આદત નથી આવે ખુદા તું કંઈ કામે

- ઉદયન ગોહિલ

Saturday 8 June 2019

છે પુરાવા કેટલાં તમને મળવાનાં સાકી

છે પુરાવા કેટલાં તમને મળવાનાં સાકી
સાત રંગો એક આકાશે જડવાના સાકી

ને ભરો છો જામ આંખોમાં છલકાતાં જાણે
તો ખુદા ભૂલી નમન તમને કરવાના સાકી

કે મુહબ્બતની ગલીમાં પા પા પગલી માંડી
તો ખબર પણ ક્યાં હતી અમને ફળવાના સાકી

જામ હો જ્યાં આખરી થોડી બુંદોમાં જીવન
ખોળિયાથી પર તમે સઘળે ગળવાના સાકી

ચીસ છેલ્લીથી પહેલાં રુદનના આરંભે
અસ્તિત્વ સંગાથ મારામાં ઢળવાના સાકી

- ઉદયન ગોહિલ