Tuesday 20 August 2019

જરૂરી છે સફરમાં ચાલવું એ તો ખબર છે

જરૂરી છે સફરમાં ચાલવું એ તો ખબર છે ,
કરું શું, આઠમી ડેલી એ ગમતું તારું ઘર છે .

કહું હું વાત અડધી ને તું સમજી જાય પૂરી ,
મને લાગે છે મારા હોંઠ પર તારી નજર છે .

જલાવે છે તું સિગરેટ કોઈ બેજાન દમ વિના ની ,
ધુમાડો નીકળે છે એ બળતરા ની અસર છે !

તું આવી હાથ પકડી લે છે મારો ભીડમાં પણ ,
હતું તો સપનું પણ આ રાતનો છેલ્લો પ્રહર છે .

ઉડું છું હું હવામાં ગામમાં તારા જો આવ્યો ,
પછી થી ધ્યાન આવ્યું ચાંદ નું આખું નગર છે .

- ઉદયન ગોહિલ

Saturday 17 August 2019

ઉડે પડદો એ ઘરનો કોઈ સાંજે

ઉડે પડદો એ ઘરનો કોઈ સાંજે
કે આવે ધ્યાનમાં ચાંદો ઘડી ભર

મેં લૂંટાવી છે મારી જાત તું જો
નજરને આમ ની ત્રાંસી જરી કર

મને ગમતી તી એ લાવ્યો હું ચૂડી
પહેરી, તું બજારે પણ કદી ગર

નસીબે ફૂટલો છું હું પેલે થી
લકીરોમાં વળાંકો લે, પછી ફર

જવા દે તું નહી સમજે એ વાતો
તું સામે થી આ સાગરને નદી ધર

- ઉદયન ગોહિલ

Saturday 10 August 2019

સ્વભાવ સાથે સંતુલન સાધે તો સાધારણ છું હું

સ્વભાવ સાથે સંતુલન સાધે તો સાધારણ છું હું
ને જિંદગીમાં દુઃખ સામે ફળતું નિવારણ છું હું

આપ્યાં રસ્તા ડગલાં વળાંકો ને વટેમાર્ગુ તને
પણ આંખ મીંચી ભીતરે દેખાય એ સારણ છું હું

બેઠો વિશ્વ વ્યાપી સમંદર જેમ, સમજાવ્યું તને
આગળ વધે જો તું નદી-નાળાથી તો તારણ છું હું

સ્મશાન સુધીની સફરને ઓલવી દે છે અગન
એની પહેલાં ધ્યાન નામે ગળતું એ ઝારણ છું હું

આંખો ઉઘાડી તું વહેતી ક્ષણ ને ભાળી લે તો
આકાશમાં આથમતું કે ઉગતું બધું કારણ છું હું

બદલાતું આ અસ્તિત્વ હર પળ આંખ ખોલી જોઈ લે
આવ્યું નજર તો ઠીક બાકી આખરી મારણ છું હું

- ઉદયન ગોહિલ