Monday 16 September 2019

સૂરજ સાથે જાજું અમને ફાવે ક્યાંથી !

સૂરજ સાથે જાજું અમને ફાવે ક્યાંથી !
અંધારા જેવું કંઈ પણ એ લાવે ક્યાંથી !

દુઈ ની વાતો કરવી સાધુને શોભા દે ?
જીવન-મૃત્યુ ધાર્મિકતા ડોલાવે ક્યાંથી !

ઠારી દીધો દીવો તે મારા ફળિયાનો ,
સમજી ગ્યો સૂરજને તું શરમાવે ક્યાંથી !

નાની મોટી આઘી પાછી રેખા સઘળી ,
સમજાવો એ ભાગ્યને બદલાવે ક્યાંથી !

ઝાંખો લાગે ચાંદો મારી પ્રિયા સામે ,
રાતો ની રાતો એય તે તડપાવે ક્યાંથી !

આકાશે ઉડતાં પક્ષીઓ સંધ્યા ટાણે ,
નકશો પાછા ફરવાનો દોરાવે ક્યાંથી !

આવી મળવા સાંજે ને નથણી ખોવાણી ,
એ કેય કોને-કોને, ને ગોતાવે ક્યાંથી !

- ઉદયન ગોહિલ

જરૂરી નથી કે મળે તું અમને ,

જરૂરી નથી કે મળે તું અમને ,
ખુદા છે, તું તારે ગમે ત્યાં રમ ને .

ઈચ્છા થાય કે સામે તું આવે ક્યારેક ,
તું કે છે બધે છું, ગમે ત્યાં નમ ને .

થતી હોય ભૂલો કદી તારી પણ ,
ગરીબોનો ઈશ્વર બની તું ભમ ને .

ને નખરાં તો તારાય તે ઓછા ક્યાં છે ,
ધરાવું છું થાળી તો થોડુંક જમ ને .

ને એ શું કે હું રાહ જોઉં રોજે !
તું આવે છે લેવાં તો બે પળ ખમ ને .

- ઉદયન ગોહિલ

Sunday 1 September 2019

વાદળોને રોકવા ક્યાં હાથમાં છે !

વાદળોને રોકવા ક્યાં હાથમાં છે !
જે હતાં સાથે કદી એ ખ્વાબમાં છે .

આમ લૂંટાવી તી આખી જિંદગી મેં ,
પળ બધી યાદોની નોખી નાતમાં છે .

ને બહેકી ગ્યાં પી ને જે એ શરાબી ,
આય તો સાકી ને ખુદા બેય વાતમાં છે .

ફેરવો કંગન તમે એ શોખ છે કે !
દિલ, નજરમાં આવવાના તાગમાં છે !

ઝાંખું લાગે છે સપ્તરંગી આ નભ પણ ,
કે બધા રંગો તમારી આંખમાં છે .

- ઉદયન ગોહિલ