Saturday 12 March 2022

ના રે ના ...

ના રે ના
એવું કંઈ લાગતું તો નથી 
પગમાં..ઝાંઝર.. એ ક્યારથી પહેરવા લાગી!
હર વખત તો એમનેમ જ આવે છે ને આજે વળી...!
કંઇક તો છે આ વખતે..

પહેલાં તો ત્યાં ખાલી વંડી હતી બે મકાન વચ્ચે
ને એમાં એક દિ વંડીને કૂંપળ ફૂટી 
ને મહેકે રોજ વંડી
એમાં સામેની ખડકીના કેશ ખુલ્લા...
કંઇક તો છે આ વખતે..

હશે હવે, થોડુંક મોણ વધી ગયું
તો એ ક્રિસ્પી ને હું બરડ
ને આમનામ એ કલાઈમાં બંગડી ફરતી
હું આસક્ત નજરથી નિહાળતો
કંઇક તો છે આ વખતે..

ને આખર આવી એ ક્ષણ 
આંગળીઓથી હસ્તધૂનન સુધી
સ્પર્શ વાસંતી વાયરાનો રોમેરોમમાં લઈ
એણે જોયું
કંઇક તો છે આ વખતે

- ઉદયન ગોહિલ

એક અઘરો પણ મજાનો ક્યાંકથી માણસ મળ્યો છે



એક અઘરો પણ મજાનો ક્યાંકથી માણસ મળ્યો છે
ને હસે કેટલું! કે નક્કી પૃથ્વી પર ભૂલો પડ્યો છે

ને બતાવી મેં ગલી એને અહીંથી નીકળી જા
આય સહારો કોને દઉં! મારો ખભો ખાલી પડ્યો છે

આટલે થી વાત અટકે તોય લાગે ઠીક છે પણ
ખીલતાં ફૂલોની પાસે જઈ એ ફૂલોને નમ્યો છે

આખરે પૂછ્યું મેં રહસ્ય ખુશમિજાજી એ મૌસમનું
એક તારો બસ જે તારા માટે ઓ નભથી ખર્યો છે

- ઉદયન ગોહિલ

Friday 11 March 2022

નક્કી એ મારાથી સવાયો છે

નક્કી એ મારાથી સવાયો છે
જેને પળેપળથી મેં ધાવ્યો છે

એ આંખ સામે દ્રશ્ય માફક છે
જેને નજરની બારે ધાર્યો છે

બહુ બહુ તો જાણું છું હું પગરવ ને
એ ચૂપકીદીમાં છવાયો છે

છે ઘરમાં જે એજ ઘરની બારે છે
સર્વે ઘા માં એજ તો રુઝાયો છે

રોશન કરો ભીતર તો છે ઝગમગ
બાકી અંધારે એજ અંધાર્યો છે

- ઉદયન ગોહિલ

વાળ દાઢીના જો ચાડી ખાય છે

વાળ દાઢીના જો ચાડી ખાય છે
તારું ઘડપણ આંગણે ડોકાય છે

ને છુપાવી લે ગમે એટલું તું પણ
આંખના ચશ્માં તો ગાણું ગાય છે

લે આ પથ્થર ને ઉછાળી ઊંચે જો
આજ તબિયતમાં ફરક દેખાય છે

ખેલ રમતાં આવડે તો મોજ છે
આ હવા છે ને એ આવે જાય છે

હજુ ય ટહુકા છે સલામત તો સમજ
પાસ માં આકાશ પણ સર્જાય છે

- ઉદયન ગોહિલ