Monday 29 April 2019

લે છે વળાંક હાથની રેખા પચાસે તો પછી મળવાને તું આવીશ ને !

લે છે વળાંક હાથની રેખા પચાસે તો પછી મળવાને તું આવીશ ને !
થોડી સફેદી સાથ ઉડતા વાળની સાથે ફરી ઉડવાને તું આવીશ ને !

વેઠ્યો છે તડકો જિંદગીમાં ખૂબ તે પણ ને મેં પણ એ તો ખબર છે બંને ને ,
ઢળતી આ સાંજે જામ ની હો આખરી બુંદો ને ત્યાં ગળવાને તું આવીશ ને !

કિસ્સા ઘણાં છે બેવફાઈના આપણી આંખો સમક્ષ ને હજુ પણ આવશે ,
પણ કોઈ મીઠાં દર્દ જેવું પાછલી ઉંમરે મને કળવાને તું આવીશ ને !

જોયું હશે આખું જગત એવું શક્ય છે ને એ તારો શોખ પણ છે, જાણું છું ,
સ્કુટર, ચા ની ટપલી ને મારો સાથ જો હોય તો ફરવાને તું આવીશ ને !

ને આમ લૂંટાતો રહ્યો વારે તહેવારે હું કઈ કેટલીય વખત તારા નામે ,
તો આખરી બાજી માં પગલાં જો પડે પાછાં તો ત્યાં છળવાને તું આવીશ ને !

- ઉદયન ગોહિલ

Thursday 18 April 2019

મને પણ છે ઇન્તેઝાર તો અર્થ એવો નથી એ આવશે દોડી ને મળવા

મને પણ છે ઇન્તેઝાર તો અર્થ એવો નથી એ આવશે દોડી ને મળવા
હતો એ શોખ મારો તો મેં મૂકી દોટ ઝાંઝવા સુધી જળ ને પકડવા

છે સૂકી આ ધરા સાથે નજરમાં કેદ દ્રશ્યોનો અહેસાસ પણ નિરર્થક
સફરનો થાક ઉતરે જિંદગીમાં જો કદી આંખો તને ભાળે સજનવા

મંદિરો મસ્જિદોમાં કેટલાં ફેરા કરી થાક્યો પછી સમજાયું સઘળું
રહેતા છે એ કણકણમાં તો એને ચાર દીવાલો વચ્ચે ક્યાંથી સમજવા

ને આ જે ધોમધખતો તાપ ગરમીથી વરાળબુંદો જે આકાશે ચઢે છે
એ તો બસ નીકળી પડ્યો છે સાગર કઈ અમસ્તો આ પવન સંગાથે ફરવા

બંને સરખાં ભરેલો જામ ને તું આમ જોવા જઈએ તો પહેલી નજરમાં
ચઢે થોડો નશો જાઝો મળે સાંજે સુંવાળો હાથ તારો જો જકડવા

- ઉદયન ગોહિલ

Saturday 6 April 2019

જોઈ ને ફેરવી લો આંખો તો ,

જોઈ ને ફેરવી લો આંખો તો ,
માનું ! જોવા રજા તમારી છે ?

ખેલવો ખેલ તો બરાબરનો ,
આ શું ખાલી મજા તમારી છે .

ના ટકે ક્યાંય આ નજર મારી ,
છે જુદી પણ સજા તમારી છે .

હાથ મારો, લજામણી છે તું ,
એ અર્પેલી કઝા તમારી છે .

ને ફરકતી રહી સદા દિલે
એ સનમ સી ધજા તમારી છે .

- ઉદયન ગોહિલ