Friday 24 July 2020

વિચારોથી સતત ઘેરાયેલાં મન ને ઘડીભર નો હવે આરામ આપો

વિચારોથી સતત ઘેરાયેલાં મન ને ઘડીભર નો હવે આરામ આપો
મધુશાલામાં બેસાડી મને સાકી ની સામે એ નજરનો જામ આપો 

હું છેલ્લું પાન છું આ પાનખરનું ને વખત મારો હવે આવી ગયો છે
પવનની ગોદમાં બિન્દાસ લઉં અંગડાઈ એવી કઈ મરણની ધાર આપો

મહોબતનો આ તો અધ્યાય ને આવો કથામાં આમ પાનેતર પહેરી
પછી જે કંઈ શબ્દો સ્ફુરે મહેફિલમાં તમે એને ગઝલનું નામ આપો

- ઉદયન ગોહિલ

એક ઝીણી તડ ને ચીરી ને હળી ગ્યો

એક ઝીણી તડ ને ચીરી ને હળી ગ્યો ,
જામ સાકી ની નજરથી પી ફળી ગ્યો .

જણ હું નાના ગામનો આવ્યો શહેરમાં ,
ને સમય સારો હતો એ ત્યાં ઢળી ગ્યો .

ગામ પાછો જઉં તો દોસ્તો પણ કહે છે ,
રૂપિયો, ખોટા સિક્કા સાથે ભળી ગ્યો !

હુંય સફરમાં હોત પણ આભાર તારો ,
કે મળી તુજથી નજર ને હું વળી ગ્યો .

નાનું ઘર પણ લાગણીથી છે છલોછલ ,
પાંપણે ભીનાશ ભાળી ને કળી ગ્યો .

ને છે અસ્ક્યામત શું આ ઘરની ખબર છે !
છોડ તુલસીનો મા ના પગલે લળી ગ્યો .

હાથ મૂક્યો બાપુ એ માથે ફરીથી ,
એક સૂરજ આખું અંધારું ગળી ગ્યો .

ઉદયન ગોહિલ

Friday 17 July 2020

જરા પૂછો તો સમજાશે શું હાલત થાય છે

જરા પૂછો તો સમજાશે શું હાલત થાય છે ,
જે બોરાં શબરી દ્વારા ચાખીને ફેંકાય છે .

રહે છે ઊર્મિલા વનવાસ માફક મ્હેલમાં ,
તો લક્ષ્મણ પણ કદી રાતે સુતા દેખાય છે !

પ્રસંગો છે ઘણાં પણ પ્રેમનાં ઓછાં મળે ,
આ રામાયણમાં તો ખાલી યુધ્ધ ચર્ચાય છે .

તમે દોષ દો રાવણને ફકત એ ખોટું છે ,
નસીબે જે લખ્યું ત્યાં જિંદગી ઢોળાય છે .

અને વાલ્મીકિ પણ મુંઝાય છે જે વાતમાં ,
કે સીતાની પરિક્ષા રામથી લેવાય છે !

- ઉદયન ગોહિલ