Friday 24 July 2020

એક ઝીણી તડ ને ચીરી ને હળી ગ્યો

એક ઝીણી તડ ને ચીરી ને હળી ગ્યો ,
જામ સાકી ની નજરથી પી ફળી ગ્યો .

જણ હું નાના ગામનો આવ્યો શહેરમાં ,
ને સમય સારો હતો એ ત્યાં ઢળી ગ્યો .

ગામ પાછો જઉં તો દોસ્તો પણ કહે છે ,
રૂપિયો, ખોટા સિક્કા સાથે ભળી ગ્યો !

હુંય સફરમાં હોત પણ આભાર તારો ,
કે મળી તુજથી નજર ને હું વળી ગ્યો .

નાનું ઘર પણ લાગણીથી છે છલોછલ ,
પાંપણે ભીનાશ ભાળી ને કળી ગ્યો .

ને છે અસ્ક્યામત શું આ ઘરની ખબર છે !
છોડ તુલસીનો મા ના પગલે લળી ગ્યો .

હાથ મૂક્યો બાપુ એ માથે ફરીથી ,
એક સૂરજ આખું અંધારું ગળી ગ્યો .

ઉદયન ગોહિલ

No comments:

Post a Comment