Sunday 31 May 2020

તારી ગલી ઘર ઓસરી બારી ને પડદો પણ ખુલો

તારી ગલી ઘર ઓસરી બારી ને પડદો પણ ખુલો
પણ તું નથી એ સાંજમાં કઈ ના ચહું એવું બને

હું આગિયો છું ને તમે વાતો કરો છો રાતની
બથ માં ભરી તમને હું કારણ ના કહું એવું બને

ને આંકશો ખોટી તમે કિંમત જે કંઈ પણ આંકશો
શૂન્ય છું હું, પાછળ રહું કે ના રહું એવું બને

હું એકલો છું આમ તો ને આમ છું જોડાયેલો
સાગર થવાની દોડમાં હું ના વહું એવું બને 

કારણ અકારણની વચ્ચે છે એક મારગ બુદ્ધનો 
મજ્જીમ નિકાયથી દૂર ઇંચ ભર ના ખહું એવું બને 

- ઉદયન ગોહિલ

Tuesday 26 May 2020

મોકલી આપ્યાં તે નીચે તો ખબર પણ રાખ ને

મોકલી આપ્યાં તે નીચે તો ખબર પણ રાખ ને 
શબરીની માફક પહેલો કોળિયો તુંય ચાખ ને 

કોઈ આળોટે સુખોમાં કોઈની શૈયા દુઃખી 
રાત લાંબી ઠીક છે પણ, તો ઉજાસ પણ આપ ને 

કોઈ લેવા આવશે તો નીકળી પડશું તરત 
પણ ઘડી એકાદ વત્તી ઓછી એમાં હાંક ને

ને ખબર ન્હોતી જે અમને એ તને પૂરી હતી
જિંદગીભરની અગન પર થોડું લોબાન નાખ ને 

કેટલાં મતભેદ આપ્યાં છે તે માયાનગરીમાં
ચાંદ ને રોટી ગણી તુંય ભૂખને જા ઢાંક ને 

- ઉદયન ગોહિલ

Wednesday 20 May 2020

ઉભા થઈ જઈ શકાયું ના મહેફિલમાંથી

ઉભા થઈ જઈ શકાયું ના મહેફિલમાંથી ,
પ્રયત્નો તો ઘણાં કર્યા નજર ઢાળી ને .

મેં મૂકી શાખ મારી દાવ પર એ સાંજે ,
કાં કાઢી તી તમે પાયલ કમર વાળી ને !

ને ખુલ્લા કેશ આગળ બાજુ સરકી પડ્યાં ,
હવે તો ચૈન પડશે આ ગ્રહણ ગાળી ને .

સહારો હાથનો લઈ કેશ ઝટક્યાં ને ,
નજર આવ્યો તો ચાંદો, વાદળો છાળી ને .

મેં લીધો હાથમાં કાગળ નઝમનો મારી ,
વિફર્યું મૌન સઘળી સ્થિતિ સંભાળી ને .

ને સમજે કોણ ભમરાની દશા ઉપવનમાં ,
ઉડાઉડ છે અહી થી ત્યાં બધુંય ભાળી ને .

ને કર્યું વાહ, પ્યારી સી નઝમ પર સૌ એ ,
તમે અંગડાઈ લીધી મારું દિલ બાળી ને .

દબાવી દીધું માઇક મેં વિચારોમાં જ્યાં ,
કહ્યું કોઈક એ, 'ઉદયન' જો તો પંપાળી ને .

- ઉદયન ગોહિલ

Monday 18 May 2020

જમાનાથી જુદો મારો અલગ મત રાખું છું

જમાનાથી જુદો મારો અલગ મત રાખું છું
જવાબી છું ખુદાનો બસ એ હિકમત રાખું છું

મુબારક આ તમારું જૂઠ તમને સૌ વખત
હું મારા સાદ ને બાળકથી સહમત રાખું છું

કાં જીવન કાં મરણ છેલ્લું સત્ય તો આજ છે
છતાં તારી ગલીની નોખી હરમત રાખું છું

હજારો વાર લાંબા હાથ કર્યા એ કબૂલ
છો, ભીતર તો ચબુતરા ધરમી અસમત રાખું છું 

થવાની છે બંધ આંખો એ પાક્કું છે છતાં
છે ખુલ્લી ત્યાં સુધી જીવનમાં ગમ્મત રાખું છું

- ઉદયન ગોહિલ

હિકમત ~ યુક્તિ, ચતુરાઈ
હરમત ~ પ્રતિષ્ઠા, આબરૂ
અસમત ~ પવિત્રતા

Friday 15 May 2020

એક રસ્તાના બધા પથ્થર સુંવાળાં થઈ ગયા

એક રસ્તાના બધા પથ્થર સુંવાળાં થઈ ગયા
ચૂમવાને પગ તમારાં આંય તો વારા થઈ ગયા 

એવું ન્હોતું મખમલી સ્પર્શ મને વર્જિત હતો
નર્ગિસી આંખોમાં વસવાના ધખારા થઈ ગયા

હોય છે દમ પ્રાર્થનામાં એ કબૂલું છું હવે
આમ ધારી એક ઈચ્છા ને એ મારા થઈ ગયા

મીટ માંડી રાતભર હું તાકતો તો ચાંદ ને
એ મજાની વાત ને માનો જમાના થઈ ગયા

હાથ પકડી ને અમે બેઠાં ઘડી બે-ચાર ને 
ગૂંથણીમાં કઈ ચમકતા તાણાવાણા થઈ ગયા 

- ઉદયન ગોહિલ

Monday 11 May 2020

ઉતરે ગઝલ તો હું શબ્દો માંડીશ

ઉતરે ગઝલ તો હું શબ્દો માંડીશ ,
ફૂલો ને અમથાં ઓછું કઈ વાઢીશ !

હું તો ફસાયો છું લકીરોમાં ,
મારગ જુદો મર્યા પછી કાઢીશ .

ઈશ્વર ને મારી વચમાં કંઈ છે ક્યાં ,
શૂન્યાવકાશ આ કોક દી લાંઘીશ .

મારી કને મારા સિવાય શું છે !
ફાટે પનિયું તો કેમ નું સાંધીશ !

છે અઘરું ભૂલવું પણ શક્ય કરવા ,
ખુદ ને, હું તારા સમ માં પણ બાંધીશ .

- ઉદયન ગોહિલ

Tuesday 5 May 2020

માણસે, માણસ સમી મૂર્તિ ઘડી ઈશ્વરની

માણસે, માણસ સમી મૂર્તિ ઘડી ઈશ્વરની
આ ભરોસો તોડવાની વાત થઈ રીતસરની

ટેકવી ગાગર છલકતી ગઈ જો આ પનિહારી
સાંભળો આ વાત છે ભીંજાયેલા અવસરની

પ્યાસ નોખી ને અનોખી છે તરસ બારી ની
એક છોરી ત્યાં નથી ને રાહ લટ ફરફરની

આ પળોજણ તો રહી ઊભી પડ્યા છૂટા તોય
કેમ લીટી તાણું વચમાં પ્રેમમય સરવરની

ઘર, આ બાલ્કની ઓ સોફાસેટ ને ટીવી પણ
ભોળપણ ક્યાં ગામનું ને ક્યાં મજા પરસરની 

- ઉદયન ગોહિલ