Friday 26 June 2020

મને તું યાદ આવે છે

મને તું યાદ આવે છે
આ બાળક મા ને ધાવે છે

તું સામે ફ્રેમ માં છે પણ
સપાટ, આંખો રડાવે છે

નથી ગઈ દૂર મારાથી
નયન, અંતર બતાવે છે

અડી લઉં જો ઉભો થઈને
ખુશ્બુ, ચંદન સતાવે છે

એ તારો હાથ ને જાદુ
સુકુન, નરમાશ વ્હાલે છે

- ઉદયન ગોહિલ

Monday 22 June 2020

તમારાથી જુદો છું તોય તમારો છું

તમારાથી જુદો છું તોય તમારો છું
હું નાજુક હાથનાં કંગનનો ગાળો છું 

કદર મારી જો થઈ તો આપ ની સાથે
તમે છો ગોળ, હું ધાણાનો દાણો છું

શ્રી ની કિંમત સમો જીવનના પાને છું
તમારા સાથમાં રહું ત્યાં સવાયો છું

બચ્યાં મુજમાં આ પથ્થર કાંકરા રેતી
વહી ગઈ જે નદી એનો કિનારો છું

તમે આવ્યા - ગયા, અવસર બંને માણ્યાં
બધી પરિસ્થિતિમાં હું એકધારો છું

ઘવાયો છું બંને વેળા, આ તે કેવું
ને મારો વાંક તો કે સોયનો ધાગો છું

જમાનો એ ગયો હું પણ પુજાતો તો
હવે ઠેબે ચડેલો કોક પાણો છું

- ઉદયન ગોહિલ

Saturday 20 June 2020

અગણિત બ્રહ્માંડોમાં છું હું ને તું છે

અગણિત બ્રહ્માંડોમાં છું હું ને તું છે
બસ ત્યાં સુધી આ વાતમાં ગૂંચ છે

આગળ નિરાકારથી ઘણું હોય છે
આ તો દ્રષ્ટિ - આકારની ખૂંચ છે

આંખો ઉઘાડીને તું ફેરવ નજર
કાં કોરું કાં શબ્દેશબ્દ ઋચ છે 

પૂર્ણ જગતમાં કંઈ નથી જડ સમું
એ તાંતણાઓની જરી ઘુંચ છે

છે ત્યાં જ તુંય જ્યાં છે બધું, પણ.. છે બસ
એ ધ્યાનની આગળ ખરી કૂચ છે

- ઉદયન ગોહિલ

Tuesday 16 June 2020

વાસના તું હોય તો હારી જવું મંજૂર છે

વાસના તું હોય તો હારી જવું મંજૂર છે
જીતનો પાયો હૃદય પર ઘાત તો ના હોય

તારું ઘર આવ્યું રસ્તામાં ભરબપોરે તો શું 
હર વખત ચાંદો ભળાય ત્યાં રાત તો ના હોય

ને જરાક ઝુલ્ફો વિખેરી ત્યાં તો આયયયહાય 
કોણ કહેતું તું ઝુલ્ફોમાં ધાર તો ના હોય

ને નજર કંગન ઉપર ગઈ તો ઘુમાવે છે એ
પ્રેમમાં કઈ એકતરફી વાર તો ના હોય

હોંઠ સીવેલા ને માથે મંદ મુસ્કાન છે
આગ છે પણ હર અગન ની લાય તો ના હોય

- ઉદયન ગોહિલ

Monday 15 June 2020

ભીની મુલાયમ એ વરસતી સાંજ ને ભૂલ્યો નથી

ભીની મુલાયમ એ વરસતી સાંજ ને ભૂલ્યો નથી
વિફરી.. ડસી.. ખુલ્લી ઝુલ્ફોની વાત ને ભૂલ્યો નથી

સ્પર્શ મુલાયમ હોય તારો મારી આકાંક્ષા હતી
એ મૌસમી અવસર પછી આ ગુલમહોર ખીલ્યો નથી

છૂટા પડ્યા મૌસમથી ને ગઈ મૌસમી વાતો બધી
મેં હાથ ફેલાવી ફરી વરસાદને ઝીલ્યો નથી

પડ્યાં ટકોરા ઘરના દ્વારે તો તમારા બાદ પણ
લઈ કંકુથાળી ઉંબરો આ કોઈને વર્યો નથી

એ રાત ગઈ ને ગઈ બધી વાતો સંગાથે રાતની
આવી સવારો પણ ઘણી પણ હું કદી ઝુર્યો નથી

- ઉદયન ગોહિલ

Monday 8 June 2020

તર્કસંગત વાતમાં અપવાદ છું

તર્કસંગત વાતમાં અપવાદ છું
કર્ણના ભાથાનું સાદું બાણ છું

બ્રહ્મથી પર તુંય નથી ને હુંય નથી
તું અવાજ જ્ઞાનીનો, હું શિવનાદ છું

પાન છે તો ખરવું તો પડશે વળી
હુંજ ઘા હુંજ ડાળી ને હુંજ વા-ધાર છું  

આખરી ક્ષણોમાં આવું યાદ જો
માન, તુજ છેલ્લી નજરનો પ્યાર છું

તું રહે મુજમાં ને હું તુજમાં મળું
છોડ-બી, બી-છોડ નો કિરદાર છું

- ઉદયન ગોહિલ

Saturday 6 June 2020

ને કહે પાછો, પરિચય છે તારી મા નો

ને કહે પાછો, પરિચય છે તારી મા નો
ને બતાવે છે મને એ આભ ને તારો 

થાય ઝગડો તો તું જીતી જાય એ પાક્કું
પણ નથી મંજૂર કયામતનો વિફળ ધારો

દઈ ને પાછું લઈ લે કેવો લોભિયો છે તું
જા ખુદા જા, તારા કરતાં આગિયો સારો

છે મુસીબત, એક હથ્થું તારું આ શાસન
છો નદી થાકે સમંદર આખરે ખારો

ફેરવે ચોપાટ કેરા સોગઠાં માફક
રાખ ને કૈલાસ પર વારા પછી વારો

- ઉદયન ગોહિલ

Wednesday 3 June 2020

ભારે પડે છે જિંદગીના કેટલાંય અનુભવ પર

ભારે પડે છે જિંદગીના કેટલાંય અનુભવ પર
એ ક્ષણ મૃત્યુની નક્કી દમદાર હોવી જોઈએ

લઈ જાય છે મૃત્યુ અચાનક જિંદગીને કોખમાં
અંધારામાં નક્કી ગર્ભની નાળ હોવી જોઈએ

હેઠાં કરો આ હાથ, કેટલું માગશો આખર સુધી
કે પ્રેમમાં તો એક ગમતી નાર હોવી જોઈએ

ચીતરું નવો ચીલો ! કહેવાનો તમે થી તું હવે
કે ભક્તિમાય થોડી ઘણી તકરાર હોવી જોઈએ

માંગો અને આપે ખુદા એ વાતમાં દમ છે પૂરો
પણ આમ ઈચ્છાઓ જરા શરમાળ હોવી જોઈએ

ધાર્યું ધણીનું થાય એવી તો ખબર છે બેઉં ને
પણ તોય મહોબતમાં કુણી દરકાર હોવી જોઈએ

એકાદ સ્મરણ બાદ કરતાં કોઈ યાદો પણ નથી
ગુલશન છે તો ફૂલોની પણ વણજાર હોવી જોઈએ

તમને અનુભવ છે યુધ્ધ - મેદાન ને તલવારનો
આ યુગ નવો છે જ્યાં કલમમાં ધાર હોવી જોઈએ

- ઉદયન ગોહિલ

Tuesday 2 June 2020

કાળ કેરા ડાકલાં વાગે છે આંખે પાટા ખોલો

કાળ કેરા ડાકલાં વાગે છે આંખે પાટા ખોલો
મોજ પોતાની છે જેને उस फ़कीर के पीछे हो लो

બોલતાં બોલાંય અમસ્તાં ઠાલું એ શું ગણ કરશે ભઈ
જ્યાં ઉભા એને ગણો મંદિર ને दिल से कुछ भी बोलो

રાહ છે વાંકીચૂંકી ને આંખ ખુલ્લી જગતાં દીવા
થાય આંખો બંધ ત્યાં મરજી ख़ुदा की कह के सो लो

ને આ ખાધી લ્યો કસમ તો કોઈ મરશે ! પાકું મરશે
પાનું છે વિશ્વાસનું सोच समझकर उसको खोलो

પાપ શું ને શું પુણ્ય એનો હિસાબ પણ જાણી લીધો
છે મજા પર ની બધી तुम हाथ अपने ख़ुद ही धो लो

- ઉદયન ગોહિલ