Monday 22 June 2020

તમારાથી જુદો છું તોય તમારો છું

તમારાથી જુદો છું તોય તમારો છું
હું નાજુક હાથનાં કંગનનો ગાળો છું 

કદર મારી જો થઈ તો આપ ની સાથે
તમે છો ગોળ, હું ધાણાનો દાણો છું

શ્રી ની કિંમત સમો જીવનના પાને છું
તમારા સાથમાં રહું ત્યાં સવાયો છું

બચ્યાં મુજમાં આ પથ્થર કાંકરા રેતી
વહી ગઈ જે નદી એનો કિનારો છું

તમે આવ્યા - ગયા, અવસર બંને માણ્યાં
બધી પરિસ્થિતિમાં હું એકધારો છું

ઘવાયો છું બંને વેળા, આ તે કેવું
ને મારો વાંક તો કે સોયનો ધાગો છું

જમાનો એ ગયો હું પણ પુજાતો તો
હવે ઠેબે ચડેલો કોક પાણો છું

- ઉદયન ગોહિલ

No comments:

Post a Comment