Wednesday 3 June 2020

ભારે પડે છે જિંદગીના કેટલાંય અનુભવ પર

ભારે પડે છે જિંદગીના કેટલાંય અનુભવ પર
એ ક્ષણ મૃત્યુની નક્કી દમદાર હોવી જોઈએ

લઈ જાય છે મૃત્યુ અચાનક જિંદગીને કોખમાં
અંધારામાં નક્કી ગર્ભની નાળ હોવી જોઈએ

હેઠાં કરો આ હાથ, કેટલું માગશો આખર સુધી
કે પ્રેમમાં તો એક ગમતી નાર હોવી જોઈએ

ચીતરું નવો ચીલો ! કહેવાનો તમે થી તું હવે
કે ભક્તિમાય થોડી ઘણી તકરાર હોવી જોઈએ

માંગો અને આપે ખુદા એ વાતમાં દમ છે પૂરો
પણ આમ ઈચ્છાઓ જરા શરમાળ હોવી જોઈએ

ધાર્યું ધણીનું થાય એવી તો ખબર છે બેઉં ને
પણ તોય મહોબતમાં કુણી દરકાર હોવી જોઈએ

એકાદ સ્મરણ બાદ કરતાં કોઈ યાદો પણ નથી
ગુલશન છે તો ફૂલોની પણ વણજાર હોવી જોઈએ

તમને અનુભવ છે યુધ્ધ - મેદાન ને તલવારનો
આ યુગ નવો છે જ્યાં કલમમાં ધાર હોવી જોઈએ

- ઉદયન ગોહિલ

No comments:

Post a Comment