Tuesday 1 December 2020

ધારી લો તમને પ્રેમ છે મારાથી, તો ગમશે સખી !

સખી...

ધારી લો તમને પ્રેમ છે મારાથી, તો ગમશે સખી !
કે ધારવામાં પણ તમારા નૈન તો ઢળશે સખી .

ઓ વાદળો, છાંટા, ક-મૌસમનાં ખમૈયા તો કરો ,
કે જોઈ ભીંજાતી સખી પાછી અગન વધશે સખી .

મૌસમ ઉઘડતી ગાલની લાલી મસળતી હોય ત્યાં ,
ખ્વાબોની ગરમાહટમાં આજે ચાય પણ ચઢશે સખી .

સંધ્યાની થોડી અસ્ક્યામતને છુપાવી રાખી છે ,
સૂરજ ઓ આથમશે ને તારાઓ વચ્ચે ઉગશે સખી .

વાગ્યા છે લગભગ રાત ના નવ તો સમય પણ થઈ ગયો ,
મુખ થી મૈખાનાની બધી પૂરી કમી કરશે સખી .

- ઉદયન ગોહિલ

Monday 26 October 2020

મને ડર ના બતાવો આ કયામતનો દોસ્તો

મને ડર ના બતાવો આ કયામતનો દોસ્તો ,
હજારો વાર એની આંખ પર હું મર્યો છું .

ને ડૂબ્યાં બાદનો આખો અનોખો અનુભવ છે ,
હું ભવસાગરના પટમાં ક્ષણ સાથે તર્યો છું .

ને આમાં શું મજા છે એ તો આખરમાં જાણ્યું ,
હતો જ્યાં, ત્યાં જ છું ને તોય હું પાછો ફર્યો છું .

મહોબતના મિલનની આ પરાકાષ્ઠા છે જો ,
હું આકાશેથી, બસ મળવા ધરા ને ખર્યો છું .

- ઉદયન ગોહિલ

Monday 19 October 2020

ઓ સાંજના રંગો, ખબર છે તમને કંઈ !

ઓ સાંજના રંગો, ખબર છે તમને કંઈ !
હું યાદ આવ્યો તો માશુકાને કે નઈ !

સેંથા સમી લાલી તો ઉતરી આવી છે ,
તો પોંખશે કે! ખ્વાબ કુમકુમ ટીકા લઈ !

વાતો વણી છે રાત રંગીનીઓની ,
પણ છે તો વાતો, કેમ ની રે તાળું દઈ !

આ રોજ નું હતું, આવ જા કરતી રહેતી ,
તોય થાય હર વખતે કે આ ગઈ ! તો કાં ગઈ !

- ઉદયન ગોહિલ

Sunday 20 September 2020

નવા નક્કોર આવે છે વિચારો હમણાંથી

નવા નક્કોર આવે છે વિચારો હમણાંથી ,
આ ઓલાં પ્રેમ નામે રોગ જેવા સિમટમ છે .

ઘરેથી નીકળું નક્કી કરી ક્યાં જાવું છે ,
રસ્તામાં પાછું લાગે આજ ડાઉન સર્વર છે .

ને આ તો રોજ નું થયું, રોજ કંઈ સારું લાગે !
કે તારા ઘર તરફનું દિલમાં પેડોમીટર છે .

- ઉદયન ગોહિલ

Friday 11 September 2020

આપણી મીઠી એ યાદોની ડગર તે ભૂંસી નાખી

આપણી મીઠી એ યાદોની ડગર તે ભૂંસી નાખી
મેં તો પક્ષીને હજુય ચણ નાખવાની આદત રાખી

કેવું ઘેલું હોય છે મન પણ, તને સંભાર્યા કરતું
આજ તો સ્પર્શની સુંવાળપ મેં સપનામાં પણ ચાખી

આવશે તું તો ફરી પાડીશું ભીની રેત પર પગલાં
આ તો આઘે થી સફરને મેં મહોબત વાળી ભાંખી

- ઉદયન ગોહિલ

Thursday 10 September 2020

સમયને કહી દો સતાવે નહી

સમયને કહી દો સતાવે નહી ,
ફરી આંખમાં સપનું વાવે નહી .

દરદ હોય છે તૂટવાનું ઘણું ,
ફરી આગ મુજમાં જગાવે નહી .

એ તો એક સરખો રહેતો નથી ,
ફરું હું જરાક તો ચલાવે નહી !

વફા નામે એ બેવફા નીકળ્યો ,
ક્ષણ એક પણ ક્યાંય ધાવે નહી .

- ઉદયન ગોહિલ

Wednesday 12 August 2020

છોડી મને તું ક્યાં ગયો રે જાદવા ?

છોડી મને તું ક્યાં ગયો રે જાદવા ?
વ્યાકુળ નયન છે રાહમાં રે જાદવા .

પગરવ હતો ધીમો તું આવ્યો ત્યારનો ,
લૂંટી ને આસુંય લઈ ગયો કે જાદવા !

આ પાંપણોની છે પીડા કોને કહે !
આંખોમાં થોડુંક ભીનું જળ દે જાદવા .

નૈનો નો સથવારો હતો દિલને એ ગ્યો ,
પાછું વળીને જોઈ તો લે જાદવા .

પગલાં તું પાડે ક્યાં ને ઘા જો ક્યાં પડે ,
તું આટલો પણ કાં કઠોર, હેં જાદવા !

- ઉદયન ગોહિલ

Saturday 1 August 2020

પ્રાર્થનામાં એક આંસુ આંખનું અર્પણ કર્યું

પ્રાર્થનામાં એક આંસુ આંખનું અર્પણ કર્યું ,
કઈ નથી મારું છતાં મેં હું-પણું તર્પણ કર્યું .

હાથમાં વધશે શું ને શું લઈ જવાનો છું સાથે !
જિંદગીભર મેં નકામી વાતથી સગપણ કર્યું .

આશ છોડી છે મેં એની પણ, એ ઈશ્વર છે તો છે ,
મેં સનમનો હાથ ઝાલી ને ગળ્યું ઘડપણ કર્યું .

દ્રશ્ય છે હર પળ નવું સામે જે આવે છે 'ઉદયન' ,
ભૂત ની ખડકીને વાસી સાફ આ દર્પણ કર્યું .

- ઉદયન ગોહિલ

Friday 24 July 2020

વિચારોથી સતત ઘેરાયેલાં મન ને ઘડીભર નો હવે આરામ આપો

વિચારોથી સતત ઘેરાયેલાં મન ને ઘડીભર નો હવે આરામ આપો
મધુશાલામાં બેસાડી મને સાકી ની સામે એ નજરનો જામ આપો 

હું છેલ્લું પાન છું આ પાનખરનું ને વખત મારો હવે આવી ગયો છે
પવનની ગોદમાં બિન્દાસ લઉં અંગડાઈ એવી કઈ મરણની ધાર આપો

મહોબતનો આ તો અધ્યાય ને આવો કથામાં આમ પાનેતર પહેરી
પછી જે કંઈ શબ્દો સ્ફુરે મહેફિલમાં તમે એને ગઝલનું નામ આપો

- ઉદયન ગોહિલ

એક ઝીણી તડ ને ચીરી ને હળી ગ્યો

એક ઝીણી તડ ને ચીરી ને હળી ગ્યો ,
જામ સાકી ની નજરથી પી ફળી ગ્યો .

જણ હું નાના ગામનો આવ્યો શહેરમાં ,
ને સમય સારો હતો એ ત્યાં ઢળી ગ્યો .

ગામ પાછો જઉં તો દોસ્તો પણ કહે છે ,
રૂપિયો, ખોટા સિક્કા સાથે ભળી ગ્યો !

હુંય સફરમાં હોત પણ આભાર તારો ,
કે મળી તુજથી નજર ને હું વળી ગ્યો .

નાનું ઘર પણ લાગણીથી છે છલોછલ ,
પાંપણે ભીનાશ ભાળી ને કળી ગ્યો .

ને છે અસ્ક્યામત શું આ ઘરની ખબર છે !
છોડ તુલસીનો મા ના પગલે લળી ગ્યો .

હાથ મૂક્યો બાપુ એ માથે ફરીથી ,
એક સૂરજ આખું અંધારું ગળી ગ્યો .

ઉદયન ગોહિલ

Friday 17 July 2020

જરા પૂછો તો સમજાશે શું હાલત થાય છે

જરા પૂછો તો સમજાશે શું હાલત થાય છે ,
જે બોરાં શબરી દ્વારા ચાખીને ફેંકાય છે .

રહે છે ઊર્મિલા વનવાસ માફક મ્હેલમાં ,
તો લક્ષ્મણ પણ કદી રાતે સુતા દેખાય છે !

પ્રસંગો છે ઘણાં પણ પ્રેમનાં ઓછાં મળે ,
આ રામાયણમાં તો ખાલી યુધ્ધ ચર્ચાય છે .

તમે દોષ દો રાવણને ફકત એ ખોટું છે ,
નસીબે જે લખ્યું ત્યાં જિંદગી ઢોળાય છે .

અને વાલ્મીકિ પણ મુંઝાય છે જે વાતમાં ,
કે સીતાની પરિક્ષા રામથી લેવાય છે !

- ઉદયન ગોહિલ

Friday 26 June 2020

મને તું યાદ આવે છે

મને તું યાદ આવે છે
આ બાળક મા ને ધાવે છે

તું સામે ફ્રેમ માં છે પણ
સપાટ, આંખો રડાવે છે

નથી ગઈ દૂર મારાથી
નયન, અંતર બતાવે છે

અડી લઉં જો ઉભો થઈને
ખુશ્બુ, ચંદન સતાવે છે

એ તારો હાથ ને જાદુ
સુકુન, નરમાશ વ્હાલે છે

- ઉદયન ગોહિલ

Monday 22 June 2020

તમારાથી જુદો છું તોય તમારો છું

તમારાથી જુદો છું તોય તમારો છું
હું નાજુક હાથનાં કંગનનો ગાળો છું 

કદર મારી જો થઈ તો આપ ની સાથે
તમે છો ગોળ, હું ધાણાનો દાણો છું

શ્રી ની કિંમત સમો જીવનના પાને છું
તમારા સાથમાં રહું ત્યાં સવાયો છું

બચ્યાં મુજમાં આ પથ્થર કાંકરા રેતી
વહી ગઈ જે નદી એનો કિનારો છું

તમે આવ્યા - ગયા, અવસર બંને માણ્યાં
બધી પરિસ્થિતિમાં હું એકધારો છું

ઘવાયો છું બંને વેળા, આ તે કેવું
ને મારો વાંક તો કે સોયનો ધાગો છું

જમાનો એ ગયો હું પણ પુજાતો તો
હવે ઠેબે ચડેલો કોક પાણો છું

- ઉદયન ગોહિલ

Saturday 20 June 2020

અગણિત બ્રહ્માંડોમાં છું હું ને તું છે

અગણિત બ્રહ્માંડોમાં છું હું ને તું છે
બસ ત્યાં સુધી આ વાતમાં ગૂંચ છે

આગળ નિરાકારથી ઘણું હોય છે
આ તો દ્રષ્ટિ - આકારની ખૂંચ છે

આંખો ઉઘાડીને તું ફેરવ નજર
કાં કોરું કાં શબ્દેશબ્દ ઋચ છે 

પૂર્ણ જગતમાં કંઈ નથી જડ સમું
એ તાંતણાઓની જરી ઘુંચ છે

છે ત્યાં જ તુંય જ્યાં છે બધું, પણ.. છે બસ
એ ધ્યાનની આગળ ખરી કૂચ છે

- ઉદયન ગોહિલ

Tuesday 16 June 2020

વાસના તું હોય તો હારી જવું મંજૂર છે

વાસના તું હોય તો હારી જવું મંજૂર છે
જીતનો પાયો હૃદય પર ઘાત તો ના હોય

તારું ઘર આવ્યું રસ્તામાં ભરબપોરે તો શું 
હર વખત ચાંદો ભળાય ત્યાં રાત તો ના હોય

ને જરાક ઝુલ્ફો વિખેરી ત્યાં તો આયયયહાય 
કોણ કહેતું તું ઝુલ્ફોમાં ધાર તો ના હોય

ને નજર કંગન ઉપર ગઈ તો ઘુમાવે છે એ
પ્રેમમાં કઈ એકતરફી વાર તો ના હોય

હોંઠ સીવેલા ને માથે મંદ મુસ્કાન છે
આગ છે પણ હર અગન ની લાય તો ના હોય

- ઉદયન ગોહિલ

Monday 15 June 2020

ભીની મુલાયમ એ વરસતી સાંજ ને ભૂલ્યો નથી

ભીની મુલાયમ એ વરસતી સાંજ ને ભૂલ્યો નથી
વિફરી.. ડસી.. ખુલ્લી ઝુલ્ફોની વાત ને ભૂલ્યો નથી

સ્પર્શ મુલાયમ હોય તારો મારી આકાંક્ષા હતી
એ મૌસમી અવસર પછી આ ગુલમહોર ખીલ્યો નથી

છૂટા પડ્યા મૌસમથી ને ગઈ મૌસમી વાતો બધી
મેં હાથ ફેલાવી ફરી વરસાદને ઝીલ્યો નથી

પડ્યાં ટકોરા ઘરના દ્વારે તો તમારા બાદ પણ
લઈ કંકુથાળી ઉંબરો આ કોઈને વર્યો નથી

એ રાત ગઈ ને ગઈ બધી વાતો સંગાથે રાતની
આવી સવારો પણ ઘણી પણ હું કદી ઝુર્યો નથી

- ઉદયન ગોહિલ

Monday 8 June 2020

તર્કસંગત વાતમાં અપવાદ છું

તર્કસંગત વાતમાં અપવાદ છું
કર્ણના ભાથાનું સાદું બાણ છું

બ્રહ્મથી પર તુંય નથી ને હુંય નથી
તું અવાજ જ્ઞાનીનો, હું શિવનાદ છું

પાન છે તો ખરવું તો પડશે વળી
હુંજ ઘા હુંજ ડાળી ને હુંજ વા-ધાર છું  

આખરી ક્ષણોમાં આવું યાદ જો
માન, તુજ છેલ્લી નજરનો પ્યાર છું

તું રહે મુજમાં ને હું તુજમાં મળું
છોડ-બી, બી-છોડ નો કિરદાર છું

- ઉદયન ગોહિલ

Saturday 6 June 2020

ને કહે પાછો, પરિચય છે તારી મા નો

ને કહે પાછો, પરિચય છે તારી મા નો
ને બતાવે છે મને એ આભ ને તારો 

થાય ઝગડો તો તું જીતી જાય એ પાક્કું
પણ નથી મંજૂર કયામતનો વિફળ ધારો

દઈ ને પાછું લઈ લે કેવો લોભિયો છે તું
જા ખુદા જા, તારા કરતાં આગિયો સારો

છે મુસીબત, એક હથ્થું તારું આ શાસન
છો નદી થાકે સમંદર આખરે ખારો

ફેરવે ચોપાટ કેરા સોગઠાં માફક
રાખ ને કૈલાસ પર વારા પછી વારો

- ઉદયન ગોહિલ

Wednesday 3 June 2020

ભારે પડે છે જિંદગીના કેટલાંય અનુભવ પર

ભારે પડે છે જિંદગીના કેટલાંય અનુભવ પર
એ ક્ષણ મૃત્યુની નક્કી દમદાર હોવી જોઈએ

લઈ જાય છે મૃત્યુ અચાનક જિંદગીને કોખમાં
અંધારામાં નક્કી ગર્ભની નાળ હોવી જોઈએ

હેઠાં કરો આ હાથ, કેટલું માગશો આખર સુધી
કે પ્રેમમાં તો એક ગમતી નાર હોવી જોઈએ

ચીતરું નવો ચીલો ! કહેવાનો તમે થી તું હવે
કે ભક્તિમાય થોડી ઘણી તકરાર હોવી જોઈએ

માંગો અને આપે ખુદા એ વાતમાં દમ છે પૂરો
પણ આમ ઈચ્છાઓ જરા શરમાળ હોવી જોઈએ

ધાર્યું ધણીનું થાય એવી તો ખબર છે બેઉં ને
પણ તોય મહોબતમાં કુણી દરકાર હોવી જોઈએ

એકાદ સ્મરણ બાદ કરતાં કોઈ યાદો પણ નથી
ગુલશન છે તો ફૂલોની પણ વણજાર હોવી જોઈએ

તમને અનુભવ છે યુધ્ધ - મેદાન ને તલવારનો
આ યુગ નવો છે જ્યાં કલમમાં ધાર હોવી જોઈએ

- ઉદયન ગોહિલ

Tuesday 2 June 2020

કાળ કેરા ડાકલાં વાગે છે આંખે પાટા ખોલો

કાળ કેરા ડાકલાં વાગે છે આંખે પાટા ખોલો
મોજ પોતાની છે જેને उस फ़कीर के पीछे हो लो

બોલતાં બોલાંય અમસ્તાં ઠાલું એ શું ગણ કરશે ભઈ
જ્યાં ઉભા એને ગણો મંદિર ને दिल से कुछ भी बोलो

રાહ છે વાંકીચૂંકી ને આંખ ખુલ્લી જગતાં દીવા
થાય આંખો બંધ ત્યાં મરજી ख़ुदा की कह के सो लो

ને આ ખાધી લ્યો કસમ તો કોઈ મરશે ! પાકું મરશે
પાનું છે વિશ્વાસનું सोच समझकर उसको खोलो

પાપ શું ને શું પુણ્ય એનો હિસાબ પણ જાણી લીધો
છે મજા પર ની બધી तुम हाथ अपने ख़ुद ही धो लो

- ઉદયન ગોહિલ

Sunday 31 May 2020

તારી ગલી ઘર ઓસરી બારી ને પડદો પણ ખુલો

તારી ગલી ઘર ઓસરી બારી ને પડદો પણ ખુલો
પણ તું નથી એ સાંજમાં કઈ ના ચહું એવું બને

હું આગિયો છું ને તમે વાતો કરો છો રાતની
બથ માં ભરી તમને હું કારણ ના કહું એવું બને

ને આંકશો ખોટી તમે કિંમત જે કંઈ પણ આંકશો
શૂન્ય છું હું, પાછળ રહું કે ના રહું એવું બને

હું એકલો છું આમ તો ને આમ છું જોડાયેલો
સાગર થવાની દોડમાં હું ના વહું એવું બને 

કારણ અકારણની વચ્ચે છે એક મારગ બુદ્ધનો 
મજ્જીમ નિકાયથી દૂર ઇંચ ભર ના ખહું એવું બને 

- ઉદયન ગોહિલ

Tuesday 26 May 2020

મોકલી આપ્યાં તે નીચે તો ખબર પણ રાખ ને

મોકલી આપ્યાં તે નીચે તો ખબર પણ રાખ ને 
શબરીની માફક પહેલો કોળિયો તુંય ચાખ ને 

કોઈ આળોટે સુખોમાં કોઈની શૈયા દુઃખી 
રાત લાંબી ઠીક છે પણ, તો ઉજાસ પણ આપ ને 

કોઈ લેવા આવશે તો નીકળી પડશું તરત 
પણ ઘડી એકાદ વત્તી ઓછી એમાં હાંક ને

ને ખબર ન્હોતી જે અમને એ તને પૂરી હતી
જિંદગીભરની અગન પર થોડું લોબાન નાખ ને 

કેટલાં મતભેદ આપ્યાં છે તે માયાનગરીમાં
ચાંદ ને રોટી ગણી તુંય ભૂખને જા ઢાંક ને 

- ઉદયન ગોહિલ

Wednesday 20 May 2020

ઉભા થઈ જઈ શકાયું ના મહેફિલમાંથી

ઉભા થઈ જઈ શકાયું ના મહેફિલમાંથી ,
પ્રયત્નો તો ઘણાં કર્યા નજર ઢાળી ને .

મેં મૂકી શાખ મારી દાવ પર એ સાંજે ,
કાં કાઢી તી તમે પાયલ કમર વાળી ને !

ને ખુલ્લા કેશ આગળ બાજુ સરકી પડ્યાં ,
હવે તો ચૈન પડશે આ ગ્રહણ ગાળી ને .

સહારો હાથનો લઈ કેશ ઝટક્યાં ને ,
નજર આવ્યો તો ચાંદો, વાદળો છાળી ને .

મેં લીધો હાથમાં કાગળ નઝમનો મારી ,
વિફર્યું મૌન સઘળી સ્થિતિ સંભાળી ને .

ને સમજે કોણ ભમરાની દશા ઉપવનમાં ,
ઉડાઉડ છે અહી થી ત્યાં બધુંય ભાળી ને .

ને કર્યું વાહ, પ્યારી સી નઝમ પર સૌ એ ,
તમે અંગડાઈ લીધી મારું દિલ બાળી ને .

દબાવી દીધું માઇક મેં વિચારોમાં જ્યાં ,
કહ્યું કોઈક એ, 'ઉદયન' જો તો પંપાળી ને .

- ઉદયન ગોહિલ

Monday 18 May 2020

જમાનાથી જુદો મારો અલગ મત રાખું છું

જમાનાથી જુદો મારો અલગ મત રાખું છું
જવાબી છું ખુદાનો બસ એ હિકમત રાખું છું

મુબારક આ તમારું જૂઠ તમને સૌ વખત
હું મારા સાદ ને બાળકથી સહમત રાખું છું

કાં જીવન કાં મરણ છેલ્લું સત્ય તો આજ છે
છતાં તારી ગલીની નોખી હરમત રાખું છું

હજારો વાર લાંબા હાથ કર્યા એ કબૂલ
છો, ભીતર તો ચબુતરા ધરમી અસમત રાખું છું 

થવાની છે બંધ આંખો એ પાક્કું છે છતાં
છે ખુલ્લી ત્યાં સુધી જીવનમાં ગમ્મત રાખું છું

- ઉદયન ગોહિલ

હિકમત ~ યુક્તિ, ચતુરાઈ
હરમત ~ પ્રતિષ્ઠા, આબરૂ
અસમત ~ પવિત્રતા

Friday 15 May 2020

એક રસ્તાના બધા પથ્થર સુંવાળાં થઈ ગયા

એક રસ્તાના બધા પથ્થર સુંવાળાં થઈ ગયા
ચૂમવાને પગ તમારાં આંય તો વારા થઈ ગયા 

એવું ન્હોતું મખમલી સ્પર્શ મને વર્જિત હતો
નર્ગિસી આંખોમાં વસવાના ધખારા થઈ ગયા

હોય છે દમ પ્રાર્થનામાં એ કબૂલું છું હવે
આમ ધારી એક ઈચ્છા ને એ મારા થઈ ગયા

મીટ માંડી રાતભર હું તાકતો તો ચાંદ ને
એ મજાની વાત ને માનો જમાના થઈ ગયા

હાથ પકડી ને અમે બેઠાં ઘડી બે-ચાર ને 
ગૂંથણીમાં કઈ ચમકતા તાણાવાણા થઈ ગયા 

- ઉદયન ગોહિલ

Monday 11 May 2020

ઉતરે ગઝલ તો હું શબ્દો માંડીશ

ઉતરે ગઝલ તો હું શબ્દો માંડીશ ,
ફૂલો ને અમથાં ઓછું કઈ વાઢીશ !

હું તો ફસાયો છું લકીરોમાં ,
મારગ જુદો મર્યા પછી કાઢીશ .

ઈશ્વર ને મારી વચમાં કંઈ છે ક્યાં ,
શૂન્યાવકાશ આ કોક દી લાંઘીશ .

મારી કને મારા સિવાય શું છે !
ફાટે પનિયું તો કેમ નું સાંધીશ !

છે અઘરું ભૂલવું પણ શક્ય કરવા ,
ખુદ ને, હું તારા સમ માં પણ બાંધીશ .

- ઉદયન ગોહિલ

Tuesday 5 May 2020

માણસે, માણસ સમી મૂર્તિ ઘડી ઈશ્વરની

માણસે, માણસ સમી મૂર્તિ ઘડી ઈશ્વરની
આ ભરોસો તોડવાની વાત થઈ રીતસરની

ટેકવી ગાગર છલકતી ગઈ જો આ પનિહારી
સાંભળો આ વાત છે ભીંજાયેલા અવસરની

પ્યાસ નોખી ને અનોખી છે તરસ બારી ની
એક છોરી ત્યાં નથી ને રાહ લટ ફરફરની

આ પળોજણ તો રહી ઊભી પડ્યા છૂટા તોય
કેમ લીટી તાણું વચમાં પ્રેમમય સરવરની

ઘર, આ બાલ્કની ઓ સોફાસેટ ને ટીવી પણ
ભોળપણ ક્યાં ગામનું ને ક્યાં મજા પરસરની 

- ઉદયન ગોહિલ

Thursday 30 April 2020

છે મહોબ્બતનો પહેલો જામ તારી આંખ સાકી

છે મહોબ્બતનો પહેલો જામ તારી આંખ સાકી
છું સુરાલયમાં તો આ બાજુ નજર તો નાખ સાકી

છો ને ઢોળાતી મદિરા થોડી ભરતાં બે પિયાલા
કે પરોવી આંખોમાં આંખો નજરમાં રાખ સાકી

ને લગાવી હોઠથી હરદમ અમે તારી ભરેલી
છે ઘડી આ આખરી મિલનની તો તુંય ચાખ સાકી

ઘૂંટ બે ભીતર વલોવાય ને જો મતલબ કોઈ કાઢે
તો બતાવી દે પિંજરામાં પંખીની પાંખ સાકી

ને હવે મુજમાં નથી હું તો પહોંચ્યો ક્યાં એ તું જો
દૂર નભ ને બાનમાં લેતો તું મુજને ભાંખ સાકી

- ઉદયન ગોહિલ

Thursday 23 April 2020

ઘણી વાતો પછીથી જાણમાં આવી શકે છે

ઘણી વાતો પછીથી જાણમાં આવી શકે છે
મહોબ્બત કોઈને પણ ઝાળમાં લાવી શકે છે 

પછી મથવું પડે છે છૂટવાને જાળમાંથી
છે પાંખો તો ગમે ત્યાં ઓછું ફેલાવી શકે છે

નિહાળી લો ચહેરો કોઈ ગમતો ચાંદમાં તો
તમારું એક સ્વપ્ન રાત સળગાવી શકે છે

તકેદારી અલગ છે ટોચ પરની જિંદગીની
ડગે જ્યાં ચારિત્ર્ય ત્યાંથી જ ગબડાવી શકે છે

છે મનસૂબો, પડેય તે પાર ને નો પણ પડે, પણ
મજાની વાત કે જીવનને બદલાવી શકે છે

- ઉદયન ગોહિલ

Wednesday 22 April 2020

ना वो दिन निकला ना वो खिड़की बोली कभी

ना वो दिन निकला ना वो खिड़की बोली कभी
उस सांवली सी लड़की से मुझे मोहब्बत है अभी

जुल्फ़ें झटकना तो कमाल था, उतना ही नहीं
तिरछी नज़रों से वो खिड़की मुझे तकती थी कभी

उतना क़रीब था चांद कि अभी पकड़ लूं मगर
हथेलियां छूना चाहें तो लकीरें मोड़ लेती है तभी

ख़ैर ये तो बातें मेरी हुई, इस में तुम्हारा क्या है 
तुम अपनी भी सुनना, याद मेरी आएं जब भी

- उदयन गोहिल 

Thursday 16 April 2020

યાદ આવે છે તું ને નીંદર ઉડી ગઈ છે

યાદ આવે છે તું ને નીંદર ઉડી ગઈ છે ,
તું અડોઅડ તો નથી ને તોય અડી ગઈ છે .

ને શક્ય ક્યાં હાથવગું હો સઘળું, ઇચ્છો એ ,
પણ નજર નું શું, એ તો તુજથી લડી ગઈ છે .

છે ગગન આખું, જો પાંખોને પ્રસારે તો ,
પણ છે આદત પીંજરાની, એ નડી ગઈ છે .

પ્રેમ હોવો જોઈએ એવું તો લાગે છે ,
બાથમાં જઈ, વેલ વૃક્ષમાં ગડી ગઈ છે .

પડવું છૂટા, કોઈ મોટી વાત ના કે'વાય ,
જાગરણની તો મને આદત પડી ગઈ છે .

- ઉદયન ગોહિલ

Friday 10 April 2020

મને ડર ના બતાવો જિંદગીનો આટલો

મને ડર ના બતાવો જિંદગીનો આટલો
ક્ષણોને મા ગણી, હર ક્ષણને હું ધાવું છું

ફરક શું છે એ આવે આજ કે વર્ષો પછી 
મૃત્યુને પ્રેમિકા કેટેગરીમાં નાખું છું

ને આ લતમાં છે થોડો હાથ તારી આંખનો
ઉડાડી છાંટ ચારેકોર મદિરા ચાખું છું

તરી જવું રામ નામે એ મને ફાવે નહી
રહ્યો પથ્થર ભલે તોય મારું સ્વમાન રાખું છું

વિશ્વ આખું મળે જ્યાં હાથને ફેલાવું ત્યાં
સનાતન કપડું ઓઢીને હું મુજમાં ઝાંખું છું

- ઉદયન ગોહિલ

પ્રેમમાં મારા સમા પાગલનું વળગણ નહી મળે

પ્રેમમાં મારા સમા પાગલનું વળગણ નહી મળે
ને નિભાવ્યા છે મેં તમને એવું સગપણ નહી મળે

પાર દરિયો થાય તરતાં આવડે કે ના આવડે
પણ છુપાયેલું નૈનોમાં ભીનું રજકણ નહી મળે

ને હતી ઈચ્છા દિશાઓની તો ફંટાઈ ગયો પવન
બાથ ભીડે વાયરાથી એવું ઘડપણ નહી મળે

હાથ છો કૂણાં રહ્યાં ને છો રહ્યું કાંડું મખમલી
પ્રેમનાં મચકોડની ગમતી એ અડચણ નહી મળે

ખોયું શું છે, ક્યાસ એનો જો લગાવે તો જાણશે
અકબંધ જીવનમાં મુજ ઝાંઝરની રણઝણ નહી મળે

- ઉદયન ગોહિલ

Sunday 23 February 2020

નિતનવા આકાર એ ધારણ કરે છે

નિતનવા આકાર એ ધારણ કરે છે
ભ્રમણા હંમેશ નવું મારણ કરે છે

છો કસો ગમતી કસોટી પર તમે, પણ
ગાંઠ સંબંધોને સાધારણ કરે છે

ચાંદ નું સરનામું ને શેરી તમારી
પ્રેમનાં કાવ્યમાંથી ગાળણ કરે છે

હાથમાં કઈ ન્હોતું ને આંખોના સપનાં
જિંદગીને ગમતું એ કારણ કરે છે

વાંકથી પર રાખ વ્હાલા પ્રિયજનો ને
બાકી ટકરાઇ ને નજર ભારણ કરે છે

- ઉદયન ગોહિલ 

Thursday 30 January 2020

ઓઝલ થયું જે ખ્વાબ મારી આંખમાંથી

ઓઝલ થયું જે ખ્વાબ મારી આંખમાંથી ,
એના લિસોટા પણ સતાવે, કેમ ચાલે !

આવે મુલાકાતે તું ક્ષણોને ગણીને ,
ઘૂંઘટ ઉઠાવું ને તું ભાગે, કેમ ચાલે !

પકડું હું તારો હાથ ને જન્નતમાં જઈએ ,
ત્યાં તું સમય ઢસડીને લાવે, કેમ ચાલે !

મેં જિંદગી આખી જે સપના પર વિતાવી ,
આવી ને બસ નીંદર ભગાવે, કેમ ચાલે !

આંખો ખુલે ત્યારે હથેળી ખાલી જાણે ,
તું મીણથી કાગળ લખાવે, કેમ ચાલે !

- ઉદયન ગોહિલ

Wednesday 22 January 2020

जलता दिया हूं मैं अपनेआप में

जलता दिया हूं मैं अपनेआप में 
मुझे अंधेरे का ख़ौफ ना दिखाओ

तुम्हारी समझ से परे हूं, तो हूं
मोहब्बत क्या है, मुझे ना सिखाओ

मेरी बंदगी मेरे सजदे साकी से
मस्जिदों के तौर तरीके ना बताओ

बैठा हूं तो भी अपनी मस्ती में हूं
घुंघरू की खनक से ना सताओ

वह एक ही है तुझमें भी मुझमें भी
द्वैत के बाहरी ख़ुदा को भगाओ

- उदयन गोहिल

Wednesday 8 January 2020

ખ્વાબ પાળું પાંપણે તો એ છળે

ખ્વાબ પાળું પાંપણે તો એ છળે ,
એક ખાલીપો પછી ઘેરી વળે .

રાત છે પણ ક્યાં છે નીંદર આંખમાં !
આ ખયાલોમાં ફરે તું, તુંજ કળે .

જઈ ને કોને કહું વાતો બધી !
સાથ તારો હોય તો ફેરો ફળે .

ઘા નથી ઊંડો જરાય પણ રૂઝ ક્યાં !
એ જગ્યા વારે-તહેવારે જળે .

ક્યાં ગયો સ્પર્શ નજરના તીર નો ,
જે નજીક આવી ખભે મારા ઢળે .

ખાક છે આ જિંદગી તારા વિના ,
હોય ગમતી રાહ તો દિલ પણ વળે .

- ઉદયન ગોહિલ